अब इस घर की आबादी मेहमानों पर है !
कोई आ जाए तो वक़्त गुज़र जाता है !!

વિશ્વ આજે વસ્તી વિસ્ફોટની સમસ્યાનો સામનો કરી રહ્યું છે ત્યારે આ જ વિશ્વમાં કરોડો લોકો એકલતાં અનુભવી રહ્યાં છે. એટલું જ નહિ પણ એકલતા આધુનિક સમયની એક મોટી સમસ્યા બનીને વિશ્વ સામે મોઢું ફાડીને ઊભી છે.

એકલતા એ મનની એક એવી દારુણ અવસ્થા છે જેમાં લોકો પોતાની જાતને  અન્ય લોકોથી વિખૂટી પડી ગયેલી અર્થવિહિન, નકામી, ખાલી થઈ ગયેલી, તરછોડાયેલી હોય એવું  માનતાં થઈ જાય છે. પરિણામે પોતાની જાતને કુટુંબ અને સમાજ માટે નકામી અને જરૂરત વગરની સમજવાં લાગે છે.

એકલતા એ એવી બલાં છે જેમાં લોકો વિના ગમતું પણ નથી અને કોઈને કોઈ કારણોસર લોકો સાથે રહી પણ શકાતું નથી.

‘હું કોઈને પસંદ નથી, મારામાં કોઈને રસ નથી, મારું આ જગતમાં કોઈ કામ નથી, જીવવાનો હવે કોઈ અર્થ નથી, મારી કોઈને પડી નથી…વગેરે જેવાં વિચારો આવે ત્યારે સમજી લેવું કે, આપણે એકલતા નામની બિમારીનો શિકાર બન્યાં છીએ.

અત્યારે એવી સ્થિતિ છે કે, લોકોને સામાજિક સબંધો ગમતાં નથી. લોકો સાથે સબંધ રાખવાની આવડત નથી, આવાં પોતાની જાતમાં રચ્યાં પચ્યાં રહેતાં લોકો એકલતાને કારણે હતાશાનો ભોગ બનતાં હોય છે. પોતાની જાતમાં જેને વિશ્વાસ નથી તેવાં લોકો જે અન્યથી પોતાની જાતને ઉતરતી સમજે છે. જેને કારણે લોકોથી દૂર રહેવાનો પ્રયત્ન કરે છે અને ધીમે ધીમે એકલતાનો ભોગ બને છે.

વિશ્વમાં વધુને વધુ લોકો એકલતાનો ભોગ બની રહ્યા છે તેનાં કારણો જોવા જઈએ તો, ખૂબ લાંબુ લીસ્ટ બની શકે. આજની ખૂબ જ ઝડપી અને વ્યસ્ત જીવનશૈલી આ સમસ્યાની જડમાં છે.

આજે નોકરી કે અન્ય નાનો મોટો વ્યવસાય કરતાં તમામ લોકો સમય સાથે કદમ મિલાવવાં પોતાની જાતને ઘડિયાળનાં કાંટાની સાથે દોડાવી રહ્યાં છે.  અમુક પ્રકારનાં વ્યવસાયમાં સતત ઘરની બહાર રહેવું પડતું હોય છે. જ્યારે પોલીસ આર્મી જેવી નોકરીમાં વ્યક્તિ કુટુંબને પૂરતો સમય આપવાનું તો દૂર પરંતુ તહેવારો પણ કુટુંબ સાથે  મનાવી શકાતો નથી.  પરિણામે તે ઈચ્છે તો પણ પોતાના માટે કે, કુટુંબનાં સભ્યો માટે સમય નથી કાઢી શકતાં. જે આજની કડવી પણ કરૂણ વાસ્તવિકતા છે.

આ પ્રકારની જીવનશૈલીથી કામ કરનાર વ્યક્તિ પોતે અને ઘરનાં સભ્યો પણ આ સમસ્યાથી પીડાઈ રહયાં છે.  

ઘર છોડીને હોસ્ટેલમાં રહેતાં વિદ્યાર્થી, દેશની સરહદે લડવા ગયેલ જવાનને પોતાની આસપાસ અન્ય લોકો હોવાં છતાં ઘરનાં લોકોની યાદમાં એકલતા ખૂબ પીડે છે.

ઘરમાં પોતાનાં સંતાનો અને તેનાં બાળકોથી ઘર ગુંજતું હોય ત્યાં એકલાં પડેલાં વૃદ્ધની વેદના વર્ણવી ન શકાય તેવી અકથ્ય હોય છે.

જ્યાં માં બાપ બંને નોકરી અથવા વ્યવસાય કરતાં હોય તેવાં દંપતીનાં કિસ્સામાં બાળકો અને દંપતીનાં માં બાપ એકલતા અનુભવે છે. આ સમસ્યા એવાં બાળકોને વધુ થાય છે જે પોતે એક માત્ર સંતાન હોય. તદઉપરાંત પ્રેમમાં વિચ્છેદ, જીવનસાથીનું અચાનક મૃત્યુ, છૂટાછેડા, કુટુંબીજનો સાથે અણબનાવ, શારીરિક અશક્તિ કે નિવૃત્તિ વગેરે જેવાં કારણોને લીધે કોઈ પણ વ્યક્તિનાં જીવનમાં કોઈ પણ સમયે એકલતા આવી શકે છે.

એકલતાનાં કારણો ગમે તે હોય, પણ પરિણામ, મોટેભાગે એક સરખાં હોય છે. એકલાં માણસની વાત કરીએ ત્યારે મોટેભાગે વૃધ્ધોનો જ વિચાર આવે પરંતુ એકલાં પડી જતાં બાળક વિશે આપણે ક્યારેય વિચારતાં નથી. માં બાપ બન્ને કામ પર જતાં હોવાને કારણે બાળક એકલતાંની પીડાં ખૂબ સહન કરે છે પણ શબ્દોમાં વ્યક્ત કરી શકતું નથી ત્યારે તેનાં વર્તનમાં, ગુસ્સામાં, તોફાનમાં તેની આ પીડાં અનુભવી શકાય છે. બાળકથી લઈને વૃદ્ધ  સુધી કોઈપણ વયની વ્યક્તિ હોય, એકલતાનો એહસાસ હંમેશા વ્યક્તિનાં અંતરને વલોવી નાખે છે. એકલતાં એક એવી અકથ્ય પીડા છે જે ભોગ બનનાર વ્યક્તિને ક્ષણે ક્ષણે મારે છે. પરિણામે વ્યક્તિ અકાળે વૃદ્ધત્વ, અકાળે મૃત્યુ, ચિંતા, હતાશા, હ્રદય રોગનો હુમલો, અલ્ઝાઇમર, ડીમેંશિયા શારીરિક અને માનસિક બીમારીનો શિકાર બને છે.

કેટલીક વ્યક્તિ એકલતા દૂર કરવાના શોર્ટકર્ટ્સ તરીકે વિવિધ પ્રકારના વ્યસનોનાં રવાડે ચડી જીવનને બરબાદ કરે છે. ક્યારેક એકલતાનાં પંજામાં સપડાયેલી વ્યક્તિ હારીને આત્મહત્યા જેવું અંતિમ પગલું પણ ભરે છે.

આપણે સૌ જાણીએ છીએ કે “આપણે એકલાં આવ્યાં છીએ અને એકલા જ જવાનું છે.” પરંતુ આ વિચાર માત્રથી જીવન પસાર નથી થઈ શકતું. કારણ કે મનુષ્ય આખરે સામાજિક પ્રાણી છે એટલે તેને પ્રેમ, હૂંફ ,જેવી લાગણી જીવનમાં ઇંધણ રૂપે જરૂરી છે. સુખ દુઃખમાં સાથ આપનાર સાથીની જરૂર છે.  

ભારતીય સંસ્કૃતિમાં જે સંયુક્ત કુટુંબપ્રથા હતી તેને કારણે એકલતાંનો અનુભવ બાળકથી માંડી અને વૃદ્ધ સુધી કોઈને કરવો પડતો નહતો. સમયની માંગ, આપણી બદલાતી જતી જીવનશૈલી અને આસપાસની પરિસ્થિતિને કારણે માણસ ધીમે ધીમે એકલો પડતો જાય છે. પરંતુ પરિવર્તન સંસારનો નિયમ છે. એટલે બદલાતાં સંજોગો સાથે ઈચ્છા કે અનિચ્છાએ બદલાવું પડે છે.  

કુદરતે માણસને પરિસ્થિતિ અનુસાર અનુકૂલન સાધવાની અદભુત શક્તિ આપી છે એટલે બદલાતાં સંજોગો અનુસાર થોડાં પ્રયત્ન કરીને આપણી જાતને બદલવાની કોશિશ કરીએ તો, એકલતા નામનાં ભોરિંગનાં ભરડામાં સપડાતાં બચી શકાય.

એકલતા એ હકીકતમાં દરેક માટે પીડાદાયક હોય તેવું જરૂરી નથી. ઘણાં લોકો એકલતાને એકાંતમાં પરિવર્તિત કરી અને ઉમદા, આનંદસભર જીવન જીવી શકે છે પણ આવાં લોકો આંગળીને વેઢે ગણાય તેવાં હોય છે. એકલતા અને એકાંત વચ્ચે જમીન આસમાનનું અંતર છે. એકલતા ખરેખર દુઃખદ નથી પણ એકલતાને સમજી ન શકનારા વ્યક્તિ પોતાનાં મનને, સ્વભાવને કારણે પણ દુઃખી થતાં હોય છે.

જીવનમાં આવેલાં સંજોગોનો સ્વીકાર કરી એકલતાથી પીડાતી વ્યક્તિએ પોતાનાં રસનાં વિષયો શોધી અને તેમાં પ્રવૃત્ત થવાનો પ્રયત્ન કરવો જોઈએ. જેમાં વાંચન, લેખન, સંગીત, ઘરકામ, બાગકામ, ફોટોગ્રાફી, પ્રવાસ, પસંદગીનાં મૂવી જોવાં, સોશિયલ મીડિયા, પસંદગીનાં લોકોને સમયાંતરે મળવું, શારીરિક તેમજ માનસિક કસરત, રમતો, યોગ, પ્રાણાયામ, ધ્યાન, દેવ દર્શન વગેરેમાંથી જે અને જેટલું અનુકૂળ હોય તે જાગૃતિ સાથે કરવું જોઈએ.  

ખરેખર તો એકલતાને એકાંતમાં બદલતાં શિખવું જોઈએ. એકાંત અને એકલતા બંને તદન અલગ અને એકબીજાથી વિપરીત અવસ્થા છે. એકલતા અને એકાંત બંનેમાં વ્યક્તિ એકલી જ હોય છે પરંતુ ફરક માત્ર એટલો છે કે, “એકલતામાં સંજોગો વ્યક્તિને અંધારા ઓરડામાં ધકેલી બહારથી દરવાજો બંધ કરી પૂરી દે છે. જ્યારે એકાંતમાં વ્યક્તિ પોતે સંજોગોને બહાર ધકેલી રૂમનો દરવાજો અંદરથી બંધ કરી મનનો દીપક પ્રક્ટાવે છે.”  

આપણાં સહુનાં મનનો આ એકાંત નામનો દીપક સતત પ્રજ્વલિત રહે અને સ્વયં સાથેની મુસાફરી કરી સ્વ તરફ લઈ જાય.

amidoshi.com
amidalaldoshi.blogspot.com
9825971363

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

twelve + 9 =