• March 18, 2023
  • Ami Doshi
  • 0

Skip to main content

Kill obesity before it kills you….

એંશીના દાયકામાં કોઈપણ કામ અર્થે માતા જ્યારે બહાર જતી ત્યારે બાળકોને કહીને જતી કે,  ” સ્કૂલથી પાછા આવીને,  બહારથી કે રમીને  આવો ત્યારે  ઘરમાં રોટલી, રોટલો, અથાણું , ચટણી, ગોળ, ઘી, દૂધ, દહી છે એ ખાઈ લેજો.” 

આજની માતા કીટીમાં કે શોપિંગમાં બહાર જાય ત્યારે કહીને જાય કે ,”મેગી બનાવી લેજો અથવા સ્વિગી – ઝોમેટોમાં ઓર્ડર કરી દેજો.”

છેલ્લાં ચાલીસ વર્ષમાં આપણી જીવન પદ્ધતિમાં એટલાં ફેરફારો આવ્યાં કે જીવન જ સાવ બદલાઈ ગયું. બદલાયેલી આ જીવનશૈલીનું જીવંત ઉદાહરણ જોવું હોય તો ધોરણ એક થી દસની શાળાના દરવાજા પર જઈને ઊભા રહીએ અને શાળા પરથી ઘરે જતાં બાળકોનો અભ્યાસ કરીએ તો તેમની મેદસ્વિતાનું પ્રમાણ જોઈને જ ઓબેસિટીના ખતરાની સીટી ન સંભળાય તો જ નવાઈ કહેવાય.

 આજે આપણે એવી સ્થિતિ પર આવીને ઊભા રહ્યાં છીએ જેમાં સ્વાસ્થ્ય નહીં પરંતુ જીવનની સલામતી જોખમાતી જણાય છે. સતત વધતી જતી મેદસ્વિતા માત્ર ભારત જ નહિ પરંતુ સમગ્ર વિશ્વ માટે ચિંતાનો વિષય બની ગયો છે. 

 બાળકોમાં મેદસ્વિતાનું પ્રમાણ જે ભયજનક રીતે વધી રહ્યું છે તે બાળકનાં પોતાનાં અને દેશના ભવિષ્ય માટે અતિ ગંભીર  પ્રશ્ન બની ગયો છે.  “હવે નહિ જાગીએ તો બહુ મોડું થઈ જશે” તેમ વર્લ્ડ હેલ્થ ફેડરેશન પણ છેલ્લાં આઠ વર્ષથી પોકારી પોકારીને કહે છે. ઓબિસિટી ડે જાહેર કરે કે, ગમે તેટલાં જાગૃતિ માટેનાં કાર્યક્રમો કરે પણ જયાં સુધી જન જનમાં અને ઘર ઘરમાં આ જાગૃતિ નહિ આવે ત્યાં સુધી કોઈ નક્કર પરિણામ તો એક તરફ રહ્યું  આ વિષચક્ર વિનાશ તરફ લઈ જશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી.

ફાસ્ટ લાઇફ સાથે ફાસ્ટ ફૂડ જાણે જીવનનું અભિન્ન અંગ બની ગયું છે. સ્વાસ્થ્ય માટે અતિ જોખમી એવાં જંક ફૂડ,  પ્રોસેસડ ફૂડની ભરમાર આપણી આસપાસ એવી તો રચાઈ છે કે, મોટાં લોકો પણ તેમાંથી બચી નથી શકતાં તો બાળકોને તો શું દોષ આપવો. બાળકોની મેદસ્વિતામાં  માં બાપની બેદરકારીનો સિંહફાળો છે. સાવ નાનાં બાળકને પેપ્સી, થમ્સ અપ, આઈસ્ક્રીમ કે કેકના સ્વાદની કંઇજ ખબર હોતી નથી ત્યારે હોંશે હોંશે કોણ ઘૂંટડો ભરાવીને કે આંગળીથી ચડાડીને તેનું વ્યસની બનાવે છે??

શું માં બાપ આ સ્થિતિ માટે જવાબદાર નથી??

વિશ્વમાં જગત જમાદાર એવું અમેરિકા મેદસ્વિતામાં પણ પ્રથમ સ્થાને છે તો વિકાસની હરીફાઈમાં આગળ વધતું ભારત પણ કંઈ કમ નથી. ચીન પછી મેદસ્વિતામાં આપણે ત્રીજા ક્રમે છીએ તે ખરેખર ભયજનક સ્થિતિ છે. ભારતની પરંપરાગત જીવનશૈલી, ભોજન પ્રણાલી, ભારતીય વ્યંજનો કેટલો ભવ્ય વારસો!  સાવ ભૂલાતો જાય છે , સાવ ભૂંસાતો જાય છે.

જેમની પાસે કોઈ વારસો નથી, કોઈ જીવનશૈલી નથી કે નથી કોઈ સમય, ઋતુ પ્રમાણેનાં વ્યંજનોની વિવિધતાં  નથી એવાં, પશ્ચિમની સૂકી, નિરસ અને સમજણ વગરની જીવનશૈલી પાછળની આંધળી દોટમાં આપણાં બાળકો નાની ઉમરમાં જ અનેક રોગને ભેટ ચઢી જાય છે. બાળકને શું ખાવું, શું ન ખાવું તેની સાવ નાની ઉમરમાં જાતે તો કોઈ સમજ હોતી જ નથી તો આ રવાડે એમને કોણ ચડાવે છે?? માં બાપ, સમાજ, જીવન શૈલી,  આસપાસનું વાતાવરણ કે પછી આ બધું જ?

આજની મમ્મી પાસે સમય અને ધીરજનો બિલકુલ અભાવ છે એટલે બાળકને મોબાઈલ/ટીવી ચાલુ કરી અને તેની સામે જમવા બેસાડે છે ત્યારે તેને એમ હોય છે કે , ગુજરાતી કવિતા કે અંગ્રેજી પોએમ સાંભળતાં સરખી રીતે જમી લેશે. જો કે ત્યારે તેને એ ભાન નથી રહેતું કે, મોબાઈલ – ટીવી બાળક માટે ક્યારે વ્યસનમાં ફેરવાઈ જાય છે.

ટીવી પર આવતી જાહેરાતો બાળકનાં કુમળા માનસ પર એટલી ઊંડી અસર કરે છે કે તેને એ સ્વપ્નની દુનિયા સાચી અને સારી લાગે છે. જાહેરખબર બિસ્કિટની હોય, ચોકલેટની, કેક, ઠંડા પીણાં કે પિત્ઝા બર્ગર જેવાં જંક ફૂડની તે ખાવા માટે હઠ કરે છે અને માં બાપ દ્વારા સંતોષાતી હઠ ધીરે ધીરે આદતમાં પરિણમે છે જેનું પરિણામ તેને બહુ નાની ઉમરમાં મેદ સ્વરૂપે ભોગવવું પડે છે. શાળામાં અન્ય વિદ્યાર્થીઓ સાથેની દેખાદેખીમાં બાળક અમુક આદતોને આધિન બની જાય છે.

છેલ્લાં પાંચ વર્ષમાં બાળકોની મેદસ્વિતામાં દિનપ્રતિદિન વધારો થઈ રહ્યો છે. એક સર્વે મુજબ 2030 સુધીમાં પાંચથી દસ વર્ષના દર દસ બાળકોમાં એક મેદસ્વી બાળક હશે અને દસ થી સોળ વર્ષના બાળકોમાં દર દસ બાળકમાંથી બે બાળકો મેદસ્વી હશે.

એંશીના દાયકાના એ દિવસો કેટલાં અલગ જ હતાં જ્યારે, ટેલિવિઝન નામના ઇડિયટ બોક્સ તરીકે ઓળખાતા યંત્રનો આપણાં જીવનમાં પ્રવેશ નહોતો થયો. બાળકો શાળાએથી આવીને સીધો દફતરનો ઘા કરતાં અને મિત્રો સાથે રમવા માટે શેરીમાં દોડી જતાં. બે ત્રણ કલાકની શેરી રમતોની સખત દોડાદોડી બાદ ઘરે આવે ત્યારે પરસેવે રેબઝેબ અને શરીરમાંથી જાણે વરાળ નીકળતી હોય તેટલી કસરત થઈ ગઈ હોય. કકડીને ભૂખ લાગી હોય એટલે સાદું ભોજન અને લેશન કરી સુઈ જવાનું. ક્યારેક અગાશીમાં આકાશ નીચે સૂતાં સૂતાં આકાશ દર્શન કરતાં ભાઈ બહેનો સાથે ધીંગા મસ્તી કરતાં સૂઈ જતાં.

આજે તદન વિપરીત ક્રમ બની ગયો છે. પરિણામલક્ષી ગળાકાપ હરીફાઇમાં બાળપણ ક્યાંય ખોવાઈ ગયું છે. ભણતરનો ભાર એટલો વધી ગયો છે કે બાળકને રમવાનો સમય પણ નથી મળતો અને જે સમય મળે છે તેનાં પર મોબાઈલનો કબજો છે. ટેલિવિઝનનાં પ્રવેશ પછી ધીમે ધીમે વિડિયો ગેમ બાળકોનાં માનસ પર કબજો જમાવી દીધો. શેરી રમતો ખતમ થતી ગઈ અને તેનું સ્થાન મોબાઈલ રમતો એ લઈ લીધું. બાકી હતું તો કોરોનામાં ઓનલાઇન શિક્ષણ ચાલુ થતાં સાવ નાનાં બાળકોને પણ મોબાઈલની ભારે લત લાગી ગઈ. ટેબ કે મોબાઈલ લઈને કલાકો સુધી આભાસી દુનિયામાં ખોવાઈ જતું બાળક ધીમે ધીમે એકલવાયું કે એકલસુડું બની ગયું. સાથે સાથે શારીરિક કસરતના અભાવે બેઠાડું જીવન અને ફાસ્ટ ફૂડ જંક ફૂડના સેવનને કારણે ધીમે ધીમે મેદસ્વી બનવા લાગ્યું. મેદસ્વી બનવાને કારણે શારીરિક પ્રવૃત્તિઓ સાવ ઘટી ગઈ આમ, આ વિષચક્રમાં બાળક ફસાતું ગયું. બાળક મેદસ્વી થવાં માટે બેઠાડું જીવન, ખોટી ફૂડ હેબિટ સિવાય  વિભક્ત કુટુંબમાં રહેતું હોવાથી અને મોટે ભાગે એક જ બાળક હોવાને કારણે મોબાઈલના વ્યસની બની જાય છે. ઘણાં માં બાપને તો મેદસ્વી બાળક અને તંદુરસ્ત બાળક વચ્ચેની ભેદરેખા પારખી ન શકવાને કારણે પોતાનું બાળક ક્યારે આ ભેદરેખાને પાર કરી ગયું તેની પણ તેમને ખબર રહેતી નથી. આવાં બાળકો ટાઇપ ટુ ડાયાબિટી, હ્રદય રોગ, હાઈ બ્લડપ્રેશર, હાઈ કોલેસ્ટ્રોલ, સાંધાના દુઃખાવા, શ્વાસની તકલીફ જેવાં રોગોનો બહુ નાની ઉંમરે ભોગ બને છે. કેટલાંક કિસ્સામાં પિત્તાશય પર સોજો પણ જોવાં મળે છે. એક ઉમરે મેદસ્વિતાને કારણે બાળક પોતાના સમવયસ્કમાં શરમજનક સ્થિતિ અનુભવે છે જેમાંથી  હતાશા, ડર, નિષ્ફળતા અનુભવે છે. જેમાંથી માનસિક રોગોનો જન્મ થાય છે.

મેદસ્વિતા નામનાં રાક્ષસને નાથવા માટે સહિયારો પ્રયાસ થાય તો જ કાબૂ મેળવી શકાય છે. બાળકનો સ્ક્રીન સમય (મોબાઈલ,ટીવી,ટેબ) આખાં દિવસમાં સાઈઠ મિનિટથી વધુ ન થાય તે જોવું જોઈએ. શાળામાં ફરજિયાત મેદાન અને શારીરિક કસરત થાય તેવી રમતો નિયમિત રમાડવી જોઈએ. આખા દિવસની ઓછામાં ઓછી બે કલાકની શારીરિક કસરત કે રમતોને તેની દિનચર્યામાં સામેલ કરવી જોઈએ. શાળા અને માં બાપના સહિયારા પ્રયાસથી ફરજિયાત પ્રોટીન વિટામિન્સથી ભરપૂર શુદ્ધ અને સાત્વિક ખોરાકની ટેવ પાડવી પડે. બાળકને ટીવી જોતાં જોતાં જમવાની ટેવ સદંતર બંધ કરાવવી જોઈએ. ખાંડને નવાં ‘તમાકું’ (વ્યસન) તરીકે ઓળખવામાં આવે છે, તેનાં ઠંડા પીણાં બંધ કરી શેરડીનો રસ, લીંબુ પાણી, શરબત વગેરેની પ્રણાલી ફરી શરૂ કરવી જોઈએ. બાળકો મોટાં ભાગે માં બાપનું જ અનુકરણ કરતાં હોય છે જેથી માં બાપ જંક ફૂડ, ફાસ્ટ ફૂડ ખાવાનું બંધ કરી દે તો જ બાળકોમાં તે વ્યવહાર શક્ય બને.

સરકાર દ્વારા જંક ફૂડ આયાત કરવાં બાબતે નીતિ વિષયક નિર્ણય લેવામાં આવે તો પણ ઘણો ફરક પડી શકે.

બાળકોમાં મેદસ્વિતા યૌવનને ખતમ કરનારું મોટું પરિબળ છે જેનાથી આવનારી પેઢીમાં વંધ્યત્વનું વધતું પ્રમાણ તેમનાં ભવિષ્યમાં આફતને નોતરનારું સાબિત થવાનું છે.

મેદસ્વિતાને નહીં અટકાવીએ તો તે આપણાં જીવનને અટકાવી દેશે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

one × three =