उठ जाग मुसाफिर भोर भई, अब रैन कहाँ जो सोवत है
जो जागत है सो पावत है, जो सोवत है वो खोवत है…
કાલ કરે સો આજ કર,આજ કરે સો અબ…
Stich in a time ,save a nine…
વગેરે જેવાં સમયનું મહત્વ દર્શાવતાં વાક્યો, કહેવતો આપણે નાનપણથી સાંભળતાં અને વાંચતાં આવ્યાં છીએ પરંતુ તેની સામે
“હવે તો વજન ઘટાડવું જ પડશે, કસરત ,વોકિંગ શરૂ કરવાં પડશે અને ડાયેટ પ્લાન પણ આમલમાં મૂકવો પડશે પણ ક્ઝીનના લગ્ન પૂરાં થઈ જાય પછી શરૂ કરીશ.”
“જો પાંચ વર્ષ પહેલાં મેં વિડિયો બનાવીને યુ ટ્યુબ પર મૂકવાનું શરૂ કર્યું હોત તો આજે મારાં પણ લાખો ફોલોઅર્સ હોત”.
આ અને આવાં પ્રકારના વાક્યો કામને પાછળ ઠેલવાના બહાનારૂપે અવાર નવાર આપણાં કાને પડતાં હોય છે એ પણ એટલું જ સત્ય છે.
આપણે બધાં નાનાં જીવનમાં મોટા સ્વપ્નાઓ લઈને જીવતાં હોઈએ છીએ. જીવન પૂરું થઈ જાય છે પરંતુ કોઈને કોઈ કારણોસર આ સ્વપ્નાઓ અધૂરાં રહી જાય છે, ત્યારે છેવટે પારાવાર પસ્તાવાના કારણે આપણે આ સમયસર ન થયું તેનું દોષારોપણ સમય, સંજોગો, વિપરીત પરસ્થિતિ વગેરે ઉપર કરીયે છીએ.
હકીકતે આપણા સ્વપ્નોને સાકાર કરવા અથવા અગત્યના કામને પાછળ ઠેલવાના કારણો વિશે મનને પ્રામાણિકપણે પ્રશ્ન પૂછશું કદાચ જવાબ મળશે કે સ્વપ્ન અધૂરાં રહેવા પાછળ આપણી બેદરકારી,આળસ,અણગમો,પ્રોત્સાહનનો અભાવ,નિરુત્સાહ વગેરે જવાબદાર છે નહી કે સમય, સંજોગો કે વિપરીત પરિસ્થિતિ. કારણો જે પણ હોય પરંતુ તેનું પરિણામ તો પરાવાર અફસોસ, નિરાશા અને માનસિક વ્યગ્રતા સ્વરૂપે જ આવે છે.
કામને ટાળવાની કે પાછળ ઠેલવાની મનુષ્યની વૃત્તિ આજકાલની નથી એ સદીઓથી માનવ સ્વભાવ સાથે વણાયેલી છે એટલે આપણામાંથી લગભગ કોઈ એમાંથી બાકાત રહી શકતું નથી. ખરેખર માણસની આ વૃત્તિ પાછળ કયા પરિબળો જવાબદાર છે તે અંગે વિશ્વના સાયકોલોજીસ્ટના તારણ જણાવે છે કે,કામને ટાળવા પાછળ મુખ્ય બે બાબતો જવાબદાર છે.એક તો કામ શરૂ કરવું કે નહિ તેનો નિર્ણય લેવાની ક્ષમતા પણ અને સમજણનો અભાવ અને બીજું એ કામને જાણી જોઈને છેલ્લી મિનિટ પર રાખી, તે સમયમર્યાદામાં પૂરું કરી અને એક પ્રકારના રોમાંચ અનુભવ કરવો. જ્યારે જીવનમાં વારંવાર આવું બને છે ત્યારે આપણું અર્ધજાગૃત મન આ બાબતને સ્વીકારીને એક ચોક્કસ પદ્ધતિ અપનાવે છે. જેથી જ્યારે આ પ્રકારના કામ કરવાના આવે ત્યારે આપણું અર્ધજાગૃત મન ચોક્કસ પદ્ધતિને અનુસરીને એ કામને ટાળવા કે પાછળ ઠેલવાના સંદેશ આપે છે.
જે અંતે કામ કરવા અંગેનો આપણાં જીવનનો એક અભિગમ બની જાય છે.
આપણાંમાંથી મોટાભાગના લોકોને સોશિયલ મીડિયા પર કલાકો સુધી વ્યસ્ત રહેવામાં સહેજપણ આળસ કે કંટાળો નથી આવતો તેની સામે અભ્યાસ, ઓફિસના,બેંક કે રોજબરોજના જીવનના અગત્યના કામને આપણે ટાળવાની કોશિશ કરીએ છીએ અથવા પાછળ ઠેલિયે છીએ.
મતલબ જેમાં શારીરિક,માનસિક મહેનતની જરૂર પડે છે તેવાં કામને આપણે પાછળ ઠેલીએ છીએ.
જે લોકો છેલ્લી ઘડીએ કામ શરૂ કરી સમયસર કરે છે તેનાથી તે એક અલગ રોમાંચ તો અનુભવે જ છે સાથે પોતે અન્ય કરતાં વિશેષ છે તેવી લાગણી પણ અનુભવે છે. જેનાથી એક અલગ પ્રકારની અનુભૂતિ થતી હોય છે. જે કામ ટાળવાની વૃત્તિનું મહત્વનું કારણ છે.
જીવનના સ્વપ્નો હોય કે,શારીરિક સ્વાસ્થ્ય માટેની કસરત. જ્યારે ટાળીએ કે છેલ્લી ઘડીએ કામ શરૂ કરીએ તેની ખૂબ મોટી કિંમત ચૂકવવી પડે છે. કારણ કે છેલ્લી ઘડીએ કામ કરવાથી રોમાંચ જરૂર થાય પણ એની સામે માનસિક તાણ પણ ખૂબ જ અનુભવીએ છીએ કે સમયસર કામ થશે કે નહીં ? કસરતના અભાવને કારણે વધતું જતું વજન અંતે તો ડાયાબિટીસ, હૃદયરોગ જેવાં ગંભીર રોગમાં પરિણમે છે ત્યારે ઘણું મોડું થઈ ગયું હોય છે.
લાગણીઓની બાબતમાં પણ આપણે આવું જ કરતાં હોઈએ છીએ. સ્વજનો સાથે કરેલાં વચનો પૂરાં કરવામાં એટલું મોડું થઈ જાય છે કે, એ દિવસ આવે તે પહેલાં એ સ્વજનો જ જીવનમાં નથી હોતાં. કારણ કે,
જિંદગી કે સફર મેં ગુઝર જાતે હૈ જો મકામ,વો ફિર નહીં આતે…
એવું નથી કે કામ ટાળવાથી વ્યક્તિને આનંદની અનુભૂતિ થતી હોય.ઉલટું આ પ્રવૃત્તિ તેને દુઃખ, હતાશા, પસ્તાવા તરફ ધકેલે છે.
કામને ટાળવાની મનુષ્યની સાયકોલોજી પાછળના કારણો જોઈએ તો,
(૧)વ્યક્તિ કોઈપણ કામ શરૂ કર્યાં પહેલાં તેનું પરિણામ શું મળશે તેના આધારે તે કામની શરૂઆત કરે છે.
દા. ત. દોડવાની સ્પર્ધામાં પ્રથમ આવનારને ખૂબ મોટું ઈનામ મળવાનું હોય તો પણ જે શારીરિક રીતે નબળાં છે તે સ્પર્ધામાં ભાગ જ નહિ લે કારણ તેમને ખ્યાલ છે કે,આ ઈનામ તેમને તો ક્યારેય મળવાનું જ નથી.
(2) મનુષ્યનું પ્રેરક બળ જીવનમાં કોઈ ધ્યેય પ્રાપ્ત કરવાનું,સામજિક સબંધો પ્રાપ્ત કરવા કે સત્તાની પ્રાપ્તિ હોય છે.પોતાની ઝંખના અનુરૂપ કામ કરવાનો તે પ્રયત્ન કરે છે અને ખરેખર તો તેને ત્યારે જ મજા આવે છે.
પોતાની જરૂરિયાતને સમજી અને કામને એ દ્રષ્ટિકોણથી જોવું જોઈએ. સત્તા ભૂખ્યાં રાજનેતાને સમાજ સેવામાં કોઈ રસ હોતો નથી તેમ સાયન્ટિસ્ટને સામાજિક સંબંધો બાંધવામાં કોઈ રસ હોતો નથી.તે જ રીતે સમાજ સેવકને સતાની લાલસા હોતી નથી.
(3) માણસ મોટીવેશનને આધારે કામ કરવા પ્રેરાય છે.ડાયાબિટીસ મટાડવા માટે કસરત ફરજિયાત છે તેમ ખબર પડે ત્યારે કસરત જરૂર શરૂ કરે છે બાકી વજનની વધઘટ સાથે તેને સ્નાન સૂતકનો સબંધ નથી હોતો.
(4) જે કામનો રિવોર્ડ તાત્કાલિક મળે છે તે કામ કરવાં તે જલ્દી પ્રેરાય છે.ફેસબુક પર રિલ્સ અપલોડ કરવાથી તાત્કાલિક લાઇકસ અને કૉમેન્ટ્સ મળે છે આ રીવોર્ડથી ડોપામીનનો સ્ત્રાવ થાય છે , જે તેને આનંદની અનુભૂતિ કરાવે છે.
(5) કામને ટાળવાનું મહત્વનું કારણ નિષ્ફળતાનો કાલ્પનિક ભય છે.
લોકો મારાં પેઇન્ટિંગને પસંદ નહીં કરે તેવાં નિષ્ફળતાના
કાલ્પનિક ભયને કારણે લોકો પેઇન્ટિંગ કરવાનું શરૂ જ નથી કરતાં.
કામને ટાળવાની કે પાછળ ઠેલવાની આદત બદલવા આપણે આપણી જાત સાથે સંવાદ કરી જાણવું જોઈએ કે “આખરે આવું શા માટે થાય છે ?” એ જાણ્યા પછી આપણે સાંજે સૂતા પહેલાં અને સવારે જાગીને આપણા જાગૃત મન દ્વારા અર્ધજાગૃત મનને સંદેશો આપવો જોઈએ કે કામ ટાળવું કે પાછળ ધંકેલવું એ કોઈ સર્વથા આયોગ્ય જ છે. થોડો સમય જ આમ કરવાથી આશ્ચર્યજનક રીતે આપણી કામ ટાળવા કે પાછળ ધકેલવાની વૃત્તિ બદલાઈ જશે.
તો આવો સમય હાથમાંથી સરી જાય એ પહેલાં સમયસર આપણી જાતને સમજાવીએ આ વૃત્તિ તો હવે છોડવી જ પડશે નહીંતર…
अब पछताए क्या होत है जब चिड़ियाँ चुग गई खेत है

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

six + ten =