ખુશીનું સરનામું ખરેખર તો માણસના મન અને હ્રદયમાં છે પણ આખા દેશના લોકો જ્યારે ખુશ રહેતાં હોય અને પાછી આખી દુનિયા તેમને happiest country નું બિરૂદ આપતી હોય ત્યારે વિચારવું પડે કે એવું તે શું છે તે દેશમાં અને દેશના લોકોમાં.

સતત પાંચમા વર્ષે પણ વિશ્વના સૌથી વધુ આનંદિત(worlds happiest country) દેશનું બિરુદ મેળવનાર ફિનલેન્ડ પાસે ખુશ હોવાના ઘણાં કારણો છે, જેમાંનું એક સૌથી મોટું કારણ છે ફોરેસ્ટ -લીલાં ગાઢ જંગલો ,પર્વતો અને 18800 જેટલાં કુદરતી તળાવો જેવી સમૃદ્ધિથી ભરપૂર કુદરતી સંપત્તિ.

આ દેશની કુલ જમીનનો 70%ભાગ જંગલથી આચ્છાદિત છે જેથી દેશના તમામ લોકો વધુમાં વધુ સારી રીતે કુદરતના ખોળે રહી અને સ્ટ્રેસફ્રી જીવન જીવતાં અને જીવનને માણતાં બાળપણથી જ શીખી જાય છે.

ઉત્તરી યુરોપનાં આ ટચૂકડા દેશે ઔધોગિક વિકાસ પણ સારો એવો કર્યો છે પરંતુ,શિક્ષણક્ષેત્રે અહીં ઉડીને આંખે વળગે તેવી વિશિષ્ટ જાગૃતિ છે. ફિનલેન્ડમાં પ્રિસ્કૂલના બાળક માટે ફોરેસ્ટ સ્કૂલ હોય છે.જેમાં તે બાળપણથી જ કુદરતની સાથે રહેતાં, વિકસતાં અને તેનું મહત્વ સમજતાં શીખે છે.કુદરત પાસેથી બાળક આપોઆપ ઘણું શીખી જાય છે જે શીખવવું માબાપ અને શિક્ષકો માટે સામાન્ય રીતે અઘરું હોય છે.કુદરતમાં રખડવાને કારણે બાળપણથી જ તેમની રોગપ્રતિકારક શક્તિ ખૂબ સતેજ બને છે.આ બાળકોનો 95% શાળાકીય સમય જંગલના કુદરતી વાતાવરણમાં જ પસાર થાય છે.આ સ્કૂલમાં પરીક્ષાઓ કે માર્ક્સ લાવવાની કોઈ હરીફાઈ નથી હોતી છતાં ખૂબ સારાં પરિણામો મેળવી શકાયાં છે.

બાળપણમાં કુદરત સાથે રહેવાને કારણે બાળકની સમજશક્તિ જે રીતે ખીલે છે તેને કારણે તેનો સર્વાંગી વિકાસ થાય છે જેમાં વાંચનશક્તિ,શ્રવણશક્તિ, ગાણિતિક કોયડાઓ ઉકેલવાની ક્ષમતા ,કટોકટીના સમયમાં નિર્ણય કરવાની ક્ષમતા જેવાં પાયાના અને ખૂબ જરૂરી પાસાઓને કલ્પના બહાર ખીલવાની તક પ્રાપ્ત થાય છે.ફિનલેન્ડમાં સમગ્ર દેશના દરેક નાગરિક માટે બાળ મંદિરથી શરૂ કરી પોસ્ટ ગ્રેજ્યુએશન સુધીનું શિક્ષણ કોઈપણ ભેદભાવ વગર મફત છે.સૌથી મહત્વની બાબત છે અહીંના શિક્ષકો.વિશ્વના શ્રેષ્ઠ શિક્ષક અહીં જોવાં મળે છે કારણ તેમને મળતું પગારધોરણ અને સામાજિક સન્માન ખૂબ ઊંચું છે.

દરેક ફિલ્ડમાં અહીંનું સરેરાશ પગાર ધોરણ વિશ્વભરમાં શ્રેષ્ઠ છે,જેથી દરેક ફિનીઝનું જીવનધોરણ ઘણું સારું છે. ફિનીઝ પ્રજા ખુશ રહેવા માટે કેટલીક બાબતોને અનુસરે છે.

*તેઓ પોતની સરખામણી પાડોશી સાથે નથી કરતાં ખાસ કરીને બંગલો,ગાડી,દાગીના જેવી ભૌતિક વસ્તુઓની બાબતમાં તો નહિ જ.

*સફળતા કરતાં ખુશીને વધુ મહત્વ આપે છે.અન્યોની સાથે સરખામણી કરવા કરતાં પોતાની જાતનું standrd જાતે જ નક્કી કરે છે.

*દેશના મોટાંભાગના લોકો એવું દ્રઢપણે માને છે કે ,કુદરત છે તો બધું જ છે.મનની શાંતિ,શક્તિનો સ્ત્રોત અને આરામ બધું જ કુદરતમાંથી જ મળી શકે છે.

અહીં તમામ સરકારી કર્મચારીને ઉનાળામાં એક માસની રજાઓ મળે છે. જેમાં તેઓ શહેરની ભીડભાડથી દૂર કુદરતના ખોળે પોતાનો સમય વિતાવે છે.જેનાથી ફીલ ગુડ ફેક્ટર વધી જતું હોવાનું તેમને લાગે છે.

અહીંના લોકો સત્ય,પ્રમાણિકતા,નિષ્ઠા જેવાં સામાજિક મૂલ્યોનું પાલન કરી અને એકબીજાને તરફ વફાદારી અને વિશ્વાસનો અહેસાસ કરાવે છે. અહીં જો તમે ફોન,લેપટોપ કે અન્ય કિંમતી વસ્તુ ક્યાંય ભૂલી ગયાં હોય તો તે મોટેભાગે પાછી મળી જ જાય છે.

આ દેશમાં વર્ષના 365માંથી 200 દિવસ શિયાળાના હોય છે જેમાં અમુક દિવસો માયનસ 20 તાપમાન થઈ જતું હોવાં છતાં આ પ્રજાની ખુમારી અનોખી છે.

लगता है कुछ दिन तो बिताने पड़ेंगे फिनलैंड में!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

1 × five =