women empowerment

નારી તું નારાયણી, નારી રત્નની ખાણ,
નારીથી નર નીપજે ધ્રુવ પ્રહલાદ સુજાણ.

ઉપર ની પંક્તિઓ વાંચીએ તો આપણાં મનમાં પહેલો પ્રશ્ન આવે કે નારીથી નર નીપજે ? માતા તરીકે વિચારવામાં આવે તો માતા એ પુત્ર/પુત્રીની જન્મદાતા છે. કારણ કે નર અને નારી એક બીજાના પૂરક છે અને કુદરતે પ્રજોત્પતિ માટે બંનેનું નિર્માણ કર્યું છે અને બંનેના સહભાગીપણાંથી પ્રજોત્પતિ શક્ય બને છે. પરંતુ અહી થોડું વૈજ્ઞાનિક દષ્ટિ એ વિચારીયે તો મેડિકલ સાયન્સ મુજબ ગર્ભમાં સૌ પ્રથમ સ્ત્રીની બ્લ્યુ પ્રિન્ટ જ તૈયાર થાય છે અર્થાત્ ગર્ભાવસ્થાની શરૂઆતના સમયમાં દરેક બાળક માત્ર સ્ત્રી જ હોય છે  જો સ્ત્રીના એગ્સનું પુરુષના વાય સ્પર્મના કારણે ફર્ટીલાઈઝેશન થયું હોય તો આશરે પંચ્યાશી દિવસ બાદ એસ.આર.વાય. એટલે કે સેક્સ ડીટરમીનેશન રિજિયન વાયના કારણે ગર્ભમાં રહેલા બાળકમાં ટેસ્ટોસ્ટેરોનનું પ્રમાણ વધવાના કારણે ગર્ભમાં રહેલ સ્ત્રી બાળકનું પુરુષ બાળકમાં રૂપાંતર થાય પરંતુ ગર્ભાવસ્થા ની શરૂઆતમાં સ્ત્રીની બ્લ્યુ પ્રિન્ટના અવશેષ રૂપે પુરુષમાં સ્તન ચિહ્ન રહી જાય છે . આમ, દરેક પુરુષ પણ પહેલાં તો સ્ત્રી રૂપે જ આકાર લે છે અને તેમાંથી પુરુષમાં પરિવર્તન પામે છે જેથી ઉપર પંક્તિઓમાં કહ્યું છે તેમ નારીથી નર નીપજે તે વૈજ્ઞાનિક રીતે સંપૂર્ણ સત્ય છે.  આ અંગે થયેલા વિવિધ રિસર્ચ તરફ નજર કરીએ તો, પુરુષ કરતાં સ્ત્રી સામાજિકરીતે, શારીરિકરીતે અને વાતાવરણ સાથે વધુ અનુકૂલન સાધી શક્તી હોવાથી સરેરાશ સ્ત્રીનું આયુષ્ય પુરુષ કરતાં વધું હોય છે.

આજે  વિશ્વના લગભગ તમામ દેશો  સ્ત્રી સશક્તિકરણ હિમાયત કરી રહ્યા છે . વિશ્વના વિકસિત ગણાતા દેશો એ સમયાંતરે સ્ત્રીને પુરુષ સમાન દરજ્જો આપ્યો છે અને વિકસતાં અને અલ્પ વિકસિત દેશોમાં સ્ત્રીને સામાન નાગરિકત્વના હક્કોની લડાઈ અને ચળવળો ચાલી રહી છે . પરંતુ ભારત એક માત્ર એવો દેશ છે જ્યાં સ્ત્રીને સમાન નહી પરંતુ સવાયો દરજ્જો પરાપૂર્વ કાળથી આપીને તેની પૂજા કરવામાં આવે છે . તે માં અંબા સ્વરૂપે હોય કે કાલિકા સ્વરૂપે સમગ્ર ભારતમાં અલગ અલગ સ્વરૂપે શક્તિના સ્વરૂપ તરીકે સ્ત્રીની પૂજા થતી આવી છે અને હાલ પણ થઈ રહી છે. આસો માસમાં આવતી નવરાત્રી એ શક્તિની આરાધનાનું પર્વ છે તે આ બાબતનું મોટું પ્રમાણ છે.

વૈદિકકાળમાં નારીને અતિ ઉચ્ચ સ્થાન પ્રાપ્ત થયું હતું. વેદના હજારો મંત્રોમાં નારીની ગરિમામયી છબીને અંકિત કરવામાં આવી છે. ઋગ્વેદમાં કન્યા શિક્ષણની વ્યવસ્થા દર્શાવેલી છે. પુત્રની જેમ તેને પણ ઉપનયન વગેરે સંસ્કાર આપવામાં આવતા. વેદ અધ્યયનમાં પણ તેને અધિકાર આપવામાં આવતો હતો. નારી પુરુષના સહયોગી તરીકે વર્તતી હતી. તે પુરુષની સાથે યજ્ઞાદિ કર્મો પણ કરતી હતી. ફક્ત યજ્ઞાદિ કર્મો જ નહિ ભીષણ યુદ્ધમાં પણ તે સેનાપતિ બનતી. વેદમાં સ્ત્રી અબળા મનાતી ન હતી. સુવીરા, શૂરપત્ની, ઇન્દ્રપત્ની વગેરે ગૌરવયુક્ત વિશેષણોથી નવાજવામાં આવતી.

વિદુષી ગાર્ગી,અનસૂયા, શચીપૌલોમી, સુકન્યાને સશકિતકરણની જરૂર હતી? આપણે ત્યાં માતૃકુટુંબપ્રથા અમલમાં હતી તે બાબત જ સ્ત્રી શકિતનું ઉત્તમ ઉદાહરણ છે. કુંતીના પાંચ બાળકો પાંડુના હતાં જ નહી છતાં તેમણે સ્વીકાર્યા જ હતાં. અમુક વિસ્તારોમાં બહુપતિપ્રથા અમલમાં હતી. જે આજે પણ દક્ષિણ ભારતની તોડા જાતિમાં, આદિવાસીઓમાં,  ઉતરપૂર્વના પ્રદેશોમાં, હિમાલયના ખીણ પ્રદેશમાં વસતાં ખાસા જાતિમાં આજે પણ બહુ પતિપ્રથા જોવાં મળે છે.

મધ્યયુગમાં વિદેશી આક્રમણકારોને કારણે સ્ત્રીઓની સ્વતંત્રતા, સલામતી જોખમાઈ અને સ્થિતિ કથળી હતી પણ અર્વચીનયુગનો ઇતિહાસ જોઈએ તો, વિપ્લવ હોય કે આઝાદીની ચળવળ સ્ત્રીઓએ અગ્રેસર ભૂમિકા ભજવી જ હતી. એટલે આ દૃષ્ટિ એ જોવા જઈએ તો સ્ત્રી સશક્તિકરણની વાત થોડી અજુગતી લાગે છે કારણ કે જે સ્વયં શક્તિનું પ્રતીક છે એને સશક્તિકરણની જરૂર જ નથી.  તેને જે તે સ્વરૂપમાં સ્વીકારીએ તો પણ પૂરતું છે.

સ્ત્રી બાળક માતાના ગર્ભમાં હોય ત્યારથી જ માતાની ગર્ભનાળ(પ્લેસન્ટા) દ્વારા સ્ત્રી બાળકને ઇન્ફેક્શનથી બચાવવા ખૂબ પ્રયત્નશીલ હોય છે. પરિણામે ગર્ભાવસ્થાથી જ સ્ત્રી બાળકની ઈમ્યૂનીટી પુરુષ બાળક કરતાં વધુ સારી હોય છે. પરિણામે રોગો સામે લડવાની ક્ષમતા , અસાધારણ સંજોગો જેવાં કે ભૂખમરો, એપિડેમિક,વાતાવરણમાં અસાધારણ ફેરફારો જેવી વિપરીત પરિસ્થિતિમાં સ્ત્રી પુરુષની સરખામણીમાં સહેલાઇથી જીવી જાય છે.

 બાળકના કુદરતી જન્મ સમયે એક સાથે અઢાર હાડકાં તૂટવા જેટલું દર્દ સ્ત્રી સહન કરી શકે શકે છે . જે સામાન્ય રીતે પુરુષ માટે  અશક્ય હોય છે.આમ શારીરિક અને માનસિક સહનશીલતામાં પણ સ્ત્રીને કુદરતે એક મુઠ્ઠી ઉંચેરી બનાવી છે.

સ્ત્રી પુરુષ ની સરખામણી માં દુઃખદ પ્રસંગ , ડિપ્રેશન અને ધૃણાસ્પદ બનાવ, બ્રેક અપ જેવી પરિસ્થિતિ સહન કરવામાં વધુ મજબૂત છે.ઇમોશનલી સ્ટ્રોંગ હોવાને કારણે તે જીવનમાં આવતાં ઝંઝાવાતોને પુરુષની સરખામણી એ વધુ સારી રીતે હેન્ડલ કરી શકે છે અને તેનું કારણ કોર્ટિસોલ નામનું સ્ટ્રેસ હોર્મોન્સ.જે સ્ત્રીના શરીરમાં પુરુષ કરતા વધુ ઝડપથી સિક્રિઝન થવાથી થઈ શકે છે.જ્યારે આવી પરિસ્થિતિ માં પુરુષ વધુ ગૂંચવાય છે.

 બ્રેઈનની સાઈઝ સ્ત્રી કરતાં પુરુષોની વધુ હોય છે પરંતુ જ્યારે આઇ.કયુ.ની વાત આવે ત્યારે સ્ત્રીનું આઇ.ક્યુ. લેવલ પુરુષની સરખામણીમાં વધુ હોય છે .  સ્ત્રીના બ્રેઈનનો આઇ. ક્યુ. સંબંધિત ભાગ કોર્ટિક્સ વધુ જાડું હોય છે જે આઇ. ક્યુ. ને વધુ સારી રીતે વિકસાવે છે. તેમજ યાદ શક્તિની બાબતે પણ સ્ત્રીના બ્રેઈનનો આ ભાગ વધુ વિકસિત જોવા મળે છે.પરિણામે સ્ત્રીની કોગ્નીટીવ સ્કીલ એટલે કે એકસાથે ઘણું કામ કરવાની(સાંભળવું, ધ્યાન આપવું, વિચારવું, પૃથક્કરણ કરવું) ખૂબ સારી હોય છે.

પુરુષની સરખામણીમાં સ્ત્રીના પગનાં સ્નાયુ વધુ મજબૂત હોય છે . જેથી સ્ત્રીના પગ વધુ સમય સુધી થાક્યા વગર કાર્ય કરી શકે છે.

આ તો થઈ સાયન્ટિફિક સંશોધનના આધારો સાથેની વાત પણ આજે વિશ્વભરમાં એવાં અનેક ઉદાહરણો છે  કે નારી આજે નવોન્મેષની વાહક બની શકે એ ક્ષમતા ધરાવે છે.

પુરુષ બુદ્ધિ અને બળનું પ્રતીક બની રહ્યો છે. સ્ત્રી બળ, બુદ્ધિ અને ભાવુકતાની દ્યોતક બની રહી છે. ફકત આઇ ક્યુ ઉપર મદાર રાખ્યે નહિ ચાલે. ભાવના જીવનનું ચાલકબળ બની રહેશે. ત્યારે સ્ત્રી કાયમી ટકી શકે તેવી  જીવનપદ્ધતિની મશાલવાહક બની રહેશે.

2 comments on “શકિતનું પ્રતીક સ્ત્રી “નારી તું નારાયણી” વૈજ્ઞાનિક અભિગમ

  1. My family members all the time say that I am wasting my
    time here at net, however I know I am getting know-how daily by reading thes pleasant articles or
    reviews.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

two + seventeen =