એકવીસમી સદીની પહેલી પચ્ચીસીની પૂર્ણતાના આરે ઉભેલા આપણે સહુ ભૌતિક સુખસુવિધાથી સજ્જ બની ગયા છીએ. માત્ર પાછલાં ચાલીસ પચાસ વર્ષમાં ભૌતિકતાની દ્વષ્ટિએ આપણે ઘણું બધું મેળવ્યું છે. કારણ કે, આજથી પચાસેક વર્ષ પહેલાં શ્રીમંતાઈની છડી પોકારતી મોટર કાર આજે સાવ સામાન્ય બની ગઈ છે અને તેમાં પણ એક જોઈએ અને બીજું ભૂલાય તેવાં મોડેલ મળે. ચાલીસ વર્ષ પહેલાં શહેરોમાં ઉચ્ચ હોદા પર નોકરી કરતી કે સારો વ્યવસાય કરતી વ્યક્તિ શાનથી સ્કુટરની સવારી કરતાં એ બાઇકે આજે શહેરો તો ઠીક ગામડામાં પણ સાયકલની જગ્યા લઇ લીધી છે. પોતાની માલિકીનાં ઘરમાં ટીવી , ફ્રીઝ, વોશિંગ મશીન, સ્કૂટર અને કાર હોય એટલી જીવનની તમામ જરૂરિયાતો પૂર્ણ થઈ ગણાતી એ બધું આજે આપણી પાસે છે. છતાં મનના એક ખૂણે એકલતા, અજંપો , અસુરક્ષિતતા મહેસૂસ થઇ રહી છે. જાણે કશુંક ખૂટતું હોય તેવો ભાસ થયા કરે છે, આખરે બધું મળવા છતાં શું ખૂટે છે ? એ જ સમજાતુ. વૈભવી જીવન જીવવાની હોડ અને દોટમાં જીવનનાં પ્રાણસમાં સંબંધોને કાં તો આપણે પાછળ છોડી દીધા છે અથવા એક બાજુ મૂકી દીધા છે અને પરિણામે એક ન સમજાય તેવો અજંપો મનમાં રહ્યા કરે છે.

આપણે સંબંધોની બાબતમાં આપણી સ્થિતિ આજે એકદમ દયનીય બની ગઈ છે. ભૌતિક સુખમાં આળોટતાં આપણાં સહુમાંથી સંબંધોની ઉષ્મા, લાગણી, પ્રેમ, દયા અને મદદ કરવાની ભાવના ધીમે ધીમે અલિપ્ત થઈ ગઈ છે. લાખોની ભીડમાં દરેક વ્યક્તિ પોતાની જાતને એકલી અનુભવી રહી છે, અને આ ઉણપ દૂર કરવા વિવિધ વ્યસનો અને સામાજિક પાર્ટીઓ તરફ વળી રહી છે. એક ક્ષણ માટે વિચાર કરીએ તો સમજાઈ જશે કે, આ લાખોની ભીડમાં એવી કેટલી વ્યક્તિઓ છે જે કપરાંમાં કપરી સ્થિતિમાં પોતાની જાતને જોખમમાં મૂકી આપણને સાથ આપે ? કદાચ સરવાળો શૂન્યમાં આવશે કારણ કે દરેકને પોતાના કમ્ફર્ટ ઝોનમાં જીવવાની આદત પડી ગઈ છે એટલે એ પોતાના કમ્ફર્ટ ઝોનમાં રહીને જ મદદ કરવા તૈયારી બતાવશે. જેવું આજથી માત્ર ચાલીસ પચાસ વર્ષ પહેલાં ન્હોતું.

થોડું પાછું વાળી જોઈશું તો કદાચ સમજાઈ જશે કે ભૌતિક ચીજ વસ્તુઓ મેળવવાની દોટમાં આપણે શું ગુમાવ્યું. એક વખત સમયનાં વહેણની વિરુદ્ધ પચાસેક વર્ષ પાછળ જઈએ તો જણાશે કે, જ્યારે ગામડામાં જ નહી પરંતુ શહેરોમાં પણ લોકો સયુંકત કુટુંબમાં રહેતાં ત્યારે કદાચ ઘરના સભ્યોની સંખ્યાની સામે ઘરમાં ઓરડાની સંખ્યા ઓછી હતી એટલે રહેવામાં ભીડ હતી પણ મનમાં ખૂબ જ મોકળાશ હતી. ઘર બેશક નાનાં હતા પણ મન મોટાં હતાં. એક રસોડે સૌ જમતાં અને સુખ દુઃખની વાતો કરતાં. સયુંકત કુટુંબમાં બાળકને આજનાં એક માત્ર બાળક જેવો કમ્ફર્ટ ઝોન નહોતો મળતો કારણ કે , પાંચ સાત ભાઈ બહેનો સાથે રહેવાનાં કારણે દરેક બાળકમાં નાનપણથી જ સ્વલંબન , સાહસવૃત્તિ, કુટુંબ પ્રેમ , બીજા પ્રત્યે લાગણી અને મદદ કરવાની ભાવના જેવા ગુણો આપોઆપ વિકસતાં. ભાઈ બહેનોમાંથી શેરી મહોલ્લા કે પાદર સીમમાં રમતો રમતાં કે નિશાળે જતાં આવતાં કોઈને કાંઈ મુશ્કેલી હોય તો વડીલોની ગેરહાજરીમાં પણ બધાં પ્રશ્નોનો નિકાલ થઈ જતો.

જીવન આખું કુટુંબ, સગાવહાલાં, પાડોશીઓ, મિત્રો અને ગામનાં લોકો સાથે વણાયેલું, ગૂંથાયેલું રહેતું. મિત્રો સાથે ધીંગા મસ્તી કરતાં, લડતાં ઝઘડતાં, ભણતાં મોટાં તો થતાં સાથે એ મિત્રતા જીવનભર ટકી પણ રહેતી અને દરેક સારાં માઠાં પ્રસંગોએ હૂંફ મળી રહેતી. પચાસથી એંશીનાં દાયકામાં જન્મેલાં દરેકને આવી ખાટી મીઠી યાદોનું સ્મરણ થયાં કરતું હશે અને આજે કંઇક ખૂટતું હોવાનો અહેસાસ પણ થતો જ હશે. એ ખોટ એટલે શું…પ્રેમની ખોટ, સામીપ્યનો અભાવ, અંતરમનનો ખાલીપો, સુખ દુઃખ વહેંચવા માટે થઈ ગયેલી ખાલી જગ્યા. જેમણે એ યુગ જોયો નથી તેમને ભલે એ દિવસોની ખબર નથી પણ તેમનાં જીવનમાં એ અભાવ અલગ સ્વરૂપે બહાર આવે છે. એંશીના દાયકામાં વસ્તી વધારા વિરૂદ્ધ શરૂ થયેલ “અમે બે અમારાં બે” વાળી કુટુંબ નિયોજન ઝુંબેશ અંતર્ગત એવી માન્યતા લોકોમાં દ્રઢ થઈ ગઈ કે , બે થી વધુ બાળકો ન હોવાં જોઈએ. મોંઘા અને વ્યવસાયિક બનતાં જતાં શિક્ષણ અને મોંઘવારીએ આ માન્યતાને દ્રઢ બનાવી પરિણામે એવી સ્થિતિ આવી કે, બે બાળકોનું સ્થાન એક બાળકે લીધું અને શરૂ થઈ એકલપણા અને આધિપત્યની ભાવના. માણસ સામાજિક પ્રાણી છે તેને કોઈને કોઈ રીતે અન્યનો સાથ જોઈએ જ છે જેનાં માટે તે હાજર અને શક્ય હોય તેવાં વિકલ્પોનો સહારો લેવાનું શરૂ કરે છે.

આજનાં યુગમાં યુવાનોમાં જે માનસિક બીમારીઓ વધતી જાય છે તેમાં એકલતાને કારણે હતાશા , નિરાશા, કાલ્પનિક ભય અને ચિંતા, આત્મહત્યા, ડ્રગ્સની લત લાગવી વગેરે સાવ સામાન્યરીતે જોવાં મળે છે. વૃદ્ધો ને વૃદ્ધાશ્રમમાં રહેવું પડે છે કારણ બાળકોનું મન માં બાપ માટે પણ સંકુચિત થઈ ગયું છે. સહનશીલતા અને જતું કરવાની ભાવના પર ‘મારું જીવન મારી મરજી’ જેવાં સૂત્રમાં લપેટાઈ અને સ્વાર્થે કબ્જો જમાવી દીધો છે. આજનાં યુવાનો હોય કે કોઈપણ ઉંમરના વ્યક્તિ સહુને સથવારો તો જોઈએ જ છે જેનું સ્થાન વર્ચ્યુઅલ દુનિયાએ લઈ લીધું છે જે ખરાં અર્થમાં હૂંફ, પ્રેમ, આનંદ કે લાગણીને બદલે અન્ય પ્રકારનાં સ્ટ્રેસ આપે છે. જ્યારે કોઈ પરિસ્થિતિ આખાં સમાજને લાગુ પડે તેવી સર્જાય છે ત્યારે સામૂહિક રીતે વિચારવું પડે તેમ જણાય છે.સંપર્ક 9825971363

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

seventeen − twelve =