कोशिशों के रास्तों में नामुमकिन कुछ नहीं होता।
बस एक इरादा हो तो हासिल क्या नहीं होता ।।
આઈ.પી.એસ. સુધા પાન્ડેય્ ની સંકલ્પનાનું નજરાણું
કચ્છ એટલે રણ, દરિયો, ખારોપાટ, બંદરો ખાસ કરીને ત્યાંના માયાળુ માનવીઓ.
પણ કોઈ એમ કહે કે, કચ્છ એટલે આડાબીડ જંગલ, ઘેઘૂર વૃક્ષો, લીલી છમ્મ વનરાજી, વિવિધ પ્રાણીઓના અવાજ અને પક્ષીઓના કલરવથી ગુંજતું હરિયાળું વન ….તો માની શકાય??
માની, સ્વીકારી કે કલ્પી ન શકાય તેવી આ વાસ્તવિકતાને મૂર્તિમંત કરવાનું સ્વપ્ન આજથી ચાર વર્ષ પહેલાં બે આંખોએ જોયું જે અનેક હાથની જહેમત બાદ પરિપૂર્ણ પણ થઈ ગયું. એ સ્વપ્નદ્રષ્ટા એટલે આઇ.પી.એસ. સુશ્રી સુધા પાન્ડેય્.
ભચાઉ ગામ પાસે કોઈને પૂછીએ કે, અહીંના જોવાલાયક સ્થળો ક્યાં તો એક જવાબ અચૂક મળે, ભચાઉનો એસ. આર.પી. કેમ્પ.
પહેલાં અને ત્રણ વર્ષ પછીની સ્થિતિ
મિયાવાકી જંગલો એ જાપાનનાં વનસ્પતિશાસ્ત્રી અને વૈજ્ઞાનિક ડૉ. અકિરા મિયાવાકી દ્વારા જાપાનમાં વારંવાર આવતાં પૂરને કારણે જંગલોનો થતો નાશ અટકાવવાં માટે વર્ષોની જહેમત બાદ વિકસાવવામાં આવેલી વિશ્વ પ્રસિધ્ધ સફળ પદ્ધતિ છે. કુદરત પ્રત્યેનાં અનન્ય લગાવને કારણે મેં(અમી દોશી) પણ મારાં ઘર આંગણે મિયાવાકી જંગલનું નિર્માણ વર્ષ 2016 માં કરેલું જે આજે ગાઢ જંગલમાં પરિવર્તિત થયેલ છે.
ભચાઉ એસ.આર.પી. કેમ્પ
before -after
કુદરત પ્રેમી , સહભાગી મિત્રો મળી જાય એટલે શું બાકી રહે! ભચાઉ એસ. આર. પી. કેમ્પની મુલાકાત માટેનું અચાનક જ આયોજન થઈ ગયું.
સામાન્ય રીતે એસ આર.પી. કેમ્પમાં જવાનો તેમનાં કુટુંબ સાથે રહેતાં હોય. કેમ્પ એટલે એક હજાર આસપાસ લોકોની વસ્તી જેવું ગામ કહી શકાય. જેમાં એક ગામમાં હોય તે પ્રકારની સામાન્ય સુવિધાઓ હોય. પણ જો આવાં કેમ્પમાં ગીરનાં જંગલમાં હોય તેવાં હજારો વૃક્ષો લહેરાતાં હોય, પક્ષીઓની અનેક પ્રજાતિઓ કિલકિલાટ કરતી હોય, રંગબેરંગી પતંગિયાની બેરોકટોક ઉડાઉડ હોય, ત્રણ-ત્રણ ફૂટ જેટલાં મોટાં મધમાખીનાં મધપૂડાઓનું સામ્રાજ્ય હોય, જ્યાં સાંજ પડે શિયાળની લારીઓ સંભળાતી હોય અને સસલાંઓ જંગલના રસ્તાની વચ્ચે કૂદાકૂદ કરતાં હોય, અનેક પ્રકારનાં સાપ અને અન્ય સરીસૃપોની પ્રજાતિઓ વસતી હોય તેને શું કહી શકાય??? તેને એસ. આર. પી. કેમ્પ, ભચાઉનાં મિયાવાકી જંગલો કહી શકાય.
મિત્રો અહીં એક વાત તમને જણાવી દઉં કે સુધા પાન્ડેય્ દ્વારા આ પ્રકારનાં મિયાવાકી જંગલો બનાવ્યાં એ તેમણે પોતાની આઇ.પી.એસ . તરીકેની ફરજનો ભાગરૂપે નહિ પરંતુ તેમનામાં રહેલ એક ઉમદા અને પ્રકૃતિ પ્રેમના કારણે તેમણે કરેલું ભગીરથ કાર્ય છે.
એક અત્યંત આશાવાદી અને પર્યાવરણ સાથે માનવીય સંવેદનાને ઝંકૃત કરતાં સાદગી સભર અધિકારી હોવાથી તેમની આગેવાની અને માર્ગદર્શન હેઠળ અનેક જવાનોની રાત દિવસની જહેમત બાદ સાકાર થયેલું આ સ્વપ્ન જ્યાં સુધી પોતાની આંખે જોઈએ નહીં ત્યાં સુધી માની ન શકાય તેવું છે. કહેવત છે કે, ‘પત્થરમાંથી પાણી કાઢવાં જેવું અઘરું કામ છે’ અહીં અત્યંત પથરાળ જમીનમાં ચાર વર્ષમાં વૃક્ષોનાં નાનાં મોટાં સાડત્રીસ જંગલો લગભગ ત્રીસ ચાલીસ ફૂટની ઊંચાઈ સાથે માત્ર ત્રણ વર્ષમાં અડીખમ ઊભાં થઇ ગયાં છે.
વિગતવાર સમજીએ તો, સામાન્ય રીતે કચ્છની ભૂમિ એટલે રણ, ઓછો વરસાદ, ચોક્કસ પ્રકારની પાંખી, કાંટાળી વનસ્પતિઓ, તેવી જ સમજ અને તેવું જ વાતાવરણ અમુક વિસ્તારને બાદ કરતાં બધે જ જોવાં મળે. કચ્છનાં ભચાઉ ગામે લગભગ 2016માં એકસો પચીસ એકર જમીનમાં એસ.આર.પી.એફ. જૂથ 16ની શરૂઆત થઈ. ધીમે-ધીમે માળખાગત સુવિધાઓ ઉપલબ્ધ થતી ગઈ. સામાન્ય રીતે જોવાં મળે છે તેવાં ઘણાં બધાં વૃક્ષોનાં વાવેતર સમયાંતરે થતાં રહ્યાં. તેમ છતાં તમામ ખાલી જમીનમાં ગાંડા બાવળનું સામ્રાજ્ય સર્વત્ર ફેલાયેલું.
આ બાવળોની વચ્ચે પણ ચોક્કસ પ્રજાતિનાં પશુઓ અને અસંખ્ય પક્ષીઓ તો રહે જ.
સુધા પાન્ડેય્ પોતાનાં અનુભવો વાગોળતાં કહે છે કે, ‘આટલી સૂકી, પથરાળ અને બંજર જેવી દેખાતી વિશાળ જગ્યામાં 2019માં મિયાવાકી પદ્ધતિથી જંગલો બનાવવાનો સંકલ્પ કર્યો અને આ જગ્યાનો વિગતવાર અભ્યાસ કરી કામ આરંભ્યું ત્યારે હયાત ઇકો સિસ્ટમને નુકશાન પહોચાડયાં વિના કામ આગળ વધારવાનું હતું.
જે ખૂબ ધૈર્ય અને ઘણી ગંભીર પ્રકારની વિચારણા માંગી લેતું હતું.’ અર્થ મુવર વડે તમામ બાવળો ખૂબ ઓછા સમયમાં કાઢી શકાય એમ હતા પણ એમ કરવાથી સંપૂર્ણ ઇકો સિસ્ટમ ડિસ્ટર્બ થવાની પૂરી શક્યતા હતી. આથી તેમણે થોડાં થોડાં વિસ્તારને સાફ કરતા જઇ તેમાં એક પછી એક એવાં સાડત્રીસ જેટલાં મિયાવાકી જંગલોનું નિર્માણ કરાવ્યું. 28,000 વૃક્ષો સાથેના આ જંગલોમાં બહોળી જૈવ વિવિધતા સાથે 100 થી વધુ જાતિના સ્થાનિક દેશી વૃક્ષો જોવાં મળે છે.
ટેકનિકલ માહિતીને એક તરફ મૂકીએ તો, ‘ લોગ જુડતે ગયે, કારવા બનતાં ગયાં ‘ તેમ ધીમે ધીમે કરતાં સાડત્રીસ જંગલો, પીપળ વનો, ફ્લાવર વેલી, પતંગિયા ઉદ્યાન, સાત વડ, કેક્ટસ ગાર્ડન, ગુલાબ ગાર્ડન, વનશ્રી કૅફેટેરિયા, વિશ્રાંતિ પ્રાણાયામ કેન્દ્ર જેવી સુંદર જગ્યાઓ અને તળાવોનું નિર્માણ થતું ગયું. જેનાં પરિણામ સ્વરૂપે એક એવી સુંદર કુદરતી ઇકો સિસ્ટમ ઊભી થઈ ગઈ જેની કલ્પના પણ આજથી ચાર વર્ષ પહેલાં કરવી અશક્ય હતી.
આ અભૂતપૂર્વ કાર્ય માટેનો શ્રેય સુધા મેડમ પોતાનાં જવાનો અને અધિકારીઓએ અત્યંત ઉત્સાહ સાથે કરેલી રાત દિવસની મહેનતને આપે છે અને કહે છે કે, ‘મારી ટીમનાં ઉત્સાહ, શ્રદ્ધા અને સહકારને કારણે જ અમારું આ સહિયારું સ્વપ્ન સાકાર થઇ શક્યું છે.’
અમારી તાજેતરની મુલાકાત સમયે અમુક જંગલો એક વર્ષ, બે વર્ષ કે ત્રણ વર્ષની ઉંમરના હોવાં છતાં પણ તેમનાં સહજીવન અને કુદરતી વાતાવરણને કારણે ખૂબ તંદુરસ્ત અને સ્વસ્થ લાગતાં હતાં. ઊંચાઈ પર આવેલ પથરાળ ટેકરી પર હોવાં છતાં એકબીજાનાં સહવાસ, સહકારને કારણે આ જંગલો બિપોરજોયનો માર પણ ખમી ગયાં. કાશ સહજીવનની આવી વાત આપણે મનુષ્યો પણ સમજી શકતાં હોત!
એક પ્રશ્ન એવો પણ થાય કે, આટલાં ભગીરથ કાર્ય માટે અને તે પણ જીવતાં અબોલ જીવને ઉછેરવાં માટે કેટલી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હશે??? પારાવાર મુશ્કેલીઓ…
પથ્થરો તોડીને વૃક્ષોને વાવી દેવાથી કામ પૂરું નથી થતું. એક વૃક્ષને પહેલાં વર્ષે રોજનું સરેરાશ પાંચ લિટર પાણી, ખાતર, માવજત શું ન જોઈએ?
ભૂગર્ભ જળ કાઢી અને પૃથ્વીને ખોખલી કરવી નહોતી તે તેમની પ્રથમ શરત હતી. એટલે આખાં કેમ્પનાં વેસ્ટ વોટર (ગટરનાં પાણી) ને કેમ્પના STP માં એકત્ર કરી , ટ્રીટ કરી, 125 એકરના વિસ્તારમાં પાઈપલાઈનોની જાળ પાથરી દરેક મિયાવાકી ફોરેસ્ટ સુધી આ પાણી પહોંચાડમાં આવ્યું. ટેકરીઓને કારણે આ કામ ઇજનેરી કક્ષાની આવડત માંગી લે તેવું હતું. જે એકદમ ઉત્સાહી અને કાબેલ જવાનોની મદદથી પૂરું થયું. STP નું પાણી વાપરવાથી ત્રણ ફાયદા થયાં. એક તો ગંદુ પાણી જમીન અથવા અન્ય રીતે ગંદકી કરતું અટક્યું, છોડવાઓને ખાતર વાળુ પાણી મળ્યું અને સૌથી મહત્વની વાત કે શુદ્ધ પાણીનો વ્યય પણ ન થયો.
જંગલો માટે ખાતરના પ્રશ્નને લઈને તેઓ કહે છે, ‘આટલાં મોટાં પ્રમાણમાં ખાતર માટે કેટલી પાંજરાપોળ પર અને ક્યાં સુધી આધાર રાખી શકાય?’ આખરે ખાતરની સમસ્યાનો ખૂબ સરસ ઉકેલ પણ શોધી કઢાયો. ‘Black Gold for Green Walls’ અભિયાન અંતર્ગત કેમ્પનાં દરેક ઘરમાંથી ભીનો કચરો અને કેમ્પનો અન્ય જૈવિક કચરો એકત્રિત કરી, તેનું ખાતર બનાવી, જંગલો ઉછેરવામાં તેનો ઉપયોગ કરવામાં આવ્યો. સાથે સાથે પ્લાસ્ટિક કચરો એકત્ર કરી, તેને બેલિંગ પ્રેસ મશીનની મદદથી કમ્પ્રેસ કરી તેમાંથી પ્લાસ્ટિકના બાંકડા બનાવડાવવા આવ્યાં. આ પ્રયોગોને કારણે કેમ્પમાં વસતાં લોકોમાં સ્વચ્છતાની એક નવી જ આદત અને સિસ્ટમ ઊભી થઈ ગઈ. પરિસ્થિતિ એવી આવી કે નગરપાલિકાની ટિપરવાન પણ ખાલી જવાં લાગી. તદુપરાંત છાણિયા ખાતર માટે જે કર્મચારીને પોતાની દેશી ગાય કેમ્પમાં રાખવી હોય તેને કેમ્પમાં રાખવાની છૂટ આપી અને કેમ્પમાંથી ચારાની સગવડ આપી ગૌ સંવર્ધન શરૂ કર્યું. સામે શર્ત માત્ર એટલી કે, ગાયોનું ગોબર અને ગૌમૂત્ર જંગલો અને જૈવિક ખેતી માટે આપવાનું. આ પહેલથી કર્મચારીઓનો ઉત્સાહ વધી ગયો. જેમની ઈચ્છા હતી તેમણે ગાયો પાળવાનું શરૂ કર્યું. જેથી દૂધ ઘી માંથી આવક પણ વધી અને સ્વાસ્થ્ય માટે પણ લાભકારક નીવડ્યું. જંગલો પણ કુદરતી ખાતર પાણી અને સંભાળને કારણે ખીલી ઊઠ્યાં.
જંગલો માટે પૂરતા પ્રમાણમાં છોડની સમસ્યાને કેમ્પની પોતાની જ નર્સરી ઉભી કરી ઉકેલી લેવામાં આવી. આ નર્સરીમાં કેમ્પના જ વૃક્ષોના બીજમાંથી હજારો છોડવા અને સિડ બોલ બનાવાયા અને વવાયાં. આ તમામ પ્રયત્નોને પરિણામ સ્વરૂપે સમગ્ર પરિસરતંત્રમાં નોંધપાત્ર પરિવર્તન આવ્યું. કેમ્પમાં 90 થી વધુ પ્રજાતિનાં પક્ષીઓ નોંધાયા છે. જેમાં સ્થાનિક પક્ષીઓ, કેટલાક દુર્લભ પક્ષીઓ, વિદેશમાંથી આવતાં યાયાવર પક્ષીઓ, પાણીનાં પક્ષીઓ, શિકારી પક્ષીઓનો વિ. નો સમાવેશ થાય છે. અમારી ભચાઉ કેમ્પની મુલાકાત વખતે સુખદ આંચકો આપ્યો દૂધરાજે.
(પેરેડાઈઝ ફ્લાય કેચર). જે ગીરનાં જંગલમાં જોવાં મળે છે. તે મુખ્યત્વે લીલાંછમ, પાનખર, વાંસના જંગલો તેમજ ગાઢ ઝાડીઓની વચ્ચે જ જોવાં મળતું આ પક્ષી ભચાઉના મિયાવાકી જંગલોમાં પહેલી જ વાર દેખાયું તે આ સ્થળ માટે સામાન્ય બાબત નથી.
આમ, કુદરત પોતાનું સ્વરૂપ બદલે એટલે જીવસૃષ્ટિ આપોઆપ તે તરફ વળે જ છે.
અત્યંત રળિયામણી અને હરિયાળી ટેકરીઓ, વચ્ચે કાચી પગદંડીઓ, બન્ને તરફ લીલાંછમ્મ જંગલો, પક્ષીઓની કીલકારીઓ, જ્યાં મન થાય ત્યાં બેસવા માટેની સુંદર વ્યવસ્થાઓ, જંગલની ઓળખ આપતાં સાઈન બોર્ડ, નાની નાની સુંદર વિશ્રાંતિ કુટીરો, કુદરતી અને કૃત્રિમ તળાવો, જ્યાંથી આખાં ભચાઉનો નઝારો જોઈ શકાય તે પોઇન્ટ પરથી ઊગતો સૂર્ય અને આથમતી સંધ્યાનાં સાક્ષી બનવું તે પણ એક કુદરતનાં સાનિધ્યનો એક લહાવો છે.
એક દિમાગ હજાર હાથ
મિયાવાકી જંગલોથી રણમાં વનસર્જન:
રાજકોટ કેમ્પ
આ ભગીરથ કાર્ય તેમણે રાજકોટ એસ.આર.પી. કેમ્પમાં બદલી થયાં બાદ ચાલું જ રાખ્યું પરિણામે રાજકોટમાં પણ 7500 વૃક્ષો મિયવાકીમાં અને 2500 અન્ય થઈ કુલ દસ હજાર જેટલાં વૃક્ષોનું વાવેતર થઈ ગયું છે. અહીં પણ અધિકારીઓ અને જવાનો આ કાર્યને આગળ ધપાવવા ખૂબ ઉત્સાહિત છે.
જેમ જળ એ જીવન છે તેમ,
જંગલ એ પણ જીવન જ છે.
કુદરતને નહીં જાળવીએ તો કુદરત પણ આપણને નહીં જાળવે. ‘જીવો અને જીવવા દો’ ને બદલે ‘જીવવા દો અને જીવો’ એ સૂત્રને સાર્થક કરતાં આ સફળ પ્રયોગ પરથી વ્યક્તિગત અને સામૂહિકરીતે લોકો પણ પ્રેરિત થાય અને આ અભિયાન આગળ વધે તેવી આશા અને અભ્યર્થના સાથે મારી આ યાદગાર સફર પૂરી કરી.
તમે ભચાઉ કેમ્પની મુલાકાત લેવા માંગતા હોય તો મનસુખભાઈ માળી 9979381896 નો અગાઉથી સંપર્ક કરીને જઈ શકાય. અગાઉથી જાણ કરી હોય તો કેન્ટીનમાં નાશતાંની વ્યવસ્થા પણ થઈ શકે.
વધુ માહિતી માટે mission miyawaki fb page ની મુલાકાત પણ લઈ શકાશે..
https://www.facebook.com/profile.php?id=100064167698977&mibextid=ZbWKwL
અમી દોશી
9825971363
amidoshi.com