સાઈબર વર્લ્ડનું આભાસી અને બિહામણું પ્રતિબિંબ

કોઈ એક દિવસ આપણાં ફેસબુક પેજ, ઇન્સ્ટા, વોટ્સેપ કે ટેકસ્ટ મેસેજમાં આપણાં ફોટો કે મેસેજ જોઈ અને કોઈ ટિપ્પણી આપવાની શરૂઆત કરે જે પહેલી દ્વષ્ટિએ રસપ્રદ લાગે, આપણે જવાબ આપીએ ધીમે ધીમે વાત આગળ વધે. એકબીજાનાં ફોન નંબરની આપ લે થાય. પ્રાથમિક વાતો આગળ વધે ત્યારે પ્રેમ લાગણી કે જીવનનો શૂન્યાવકાશ ભરનાર કોઈ વ્યક્તિ મળી ગયાનો અહેસાસ થાય. આવી વ્યક્તિ સાથે આપણે દિવસ રાત ચેટ કરીએ, પોતાની ઈચ્છા, લાગણી, ભાવો વ્યક્ત કરીએ અંતે એમ લાગે કે આપણી અપેક્ષા કે કલ્પના મુજબનાં પ્રતિભાવ અને પ્રતિક્રિયા સામેથી મળતાં નથી ત્યારે છેતરાયાની લાગણી થાય છે. જેમાં પારાવાર પીડા, દુઃખ અને હતાશાનો સામનો કરવો પડે છે. ઘણીવાર ખૂબ લાગણીશીલ લોકો વર્ષો સુધી આ પીડામાંથી બહાર આવી શકતાં નથી. કેટલાંય લોકો આવા સંબંધોનાં શિકાર બની લાગણી, પ્રેમ સિવાય , સામાજિક પ્રતિષ્ઠા, પૈસા ઘણું ગુમાવી બેસે છે. કોઈને કહી શકતાં નથી અને નિ:સહાય સ્થિતિમાં મુકાઈ જાય છે.

આપણી આસપાસ અથવા ક્યારેક અમુક કિસ્સામાં ન્યુઝમાં આવી ઘટનાઓ વિશે જાણવાં મળે છે.
અરે, ઘણીવાર આપણાં ઘરનાં સભ્ય સાથે પણ આવો ખેલ ખેલાઈ રહ્યો હોય છે પણ આપણે તેનાથી અજાણ હોઈએ છીએ.

કોઇપણ સ્ત્રી કે પુરુષ દ્વારા સોશિયલ મીડિયા કે મેસેજ દ્વારા માત્ર નબળાં મનોરંજન હેતુથી કરવામાં આવતી રોમેન્ટિક વાતો જેમાં સાચી લાગણી, પ્રેમ , ઊંડાણ કે કોઈપણ પ્રકારની પ્રતિબદ્ધતા ન હોય તેને બ્રેડ ક્રંબિંગ, ગેસ લાઈટનિંગ કે ઘોસ્ટીંગ કહેવામાં આવે છે. ઉપરછલ્લાં સબંધોથી મોજમજા કરનારને બ્રેડક્રંબર અને ભોગ બનનાર બ્રેડ ક્રંબી તરીકે ઓળખવામાં આવે છે. વ્યક્તિનાં વર્તન પરથી નક્કી કરવામાં આવેલો આ તળપદી શબ્દ કોઈ સાયકોલોજીકલ પરીક્ષણનો ઓફિશિયલ શબ્દ નથી. જે ધીમે ધીમે હાલનાં યુગને અનુરૂપ એકદમ બંધબેસતો સાબિત થાય છે.

આ શબ્દનું આપણી સમજ મુજબ વિશ્લેષણ કરીએ તો, બ્રેડક્રમ્સ એટલે શેકેલી કે તળેલી બ્રેડ જેને ખાવાની મજા આવે, કરકરો સ્વાદ એક અલગ પ્રકારનો આનંદ આપે પણ તેમાં એકદમ શુષ્કતા હોય તેવી જ રીતે સબંધોની બાબતમાં એવાં સબંધો જે દેખાવમાં અને માનસિક સ્વાદમાં એકદમ ક્રંચી લાગે પણ હોય સાવ શુષ્ક- રસ વગરનાં. આવાં સબંધોમાં ક્યારે શું થાય તે નક્કી નથી હોતું. સબંધોમાંથી અચાનક રસ ઊડી જાય અને એક દિવસ બે માંથી એક વ્યક્તિ સંબંધમાંથી અચાનક ગુમ થઈ જાય તેમ પણ બને.

ફેસબુક , ઈન્સ્ટાગ્રામ વોટસ એપ કે અન્ય આવી કોઈપણ એપ પર ક્યારેક ક્યારેક થતો આ વાર્તાલાપ મોજ મજા સાથે એક પ્રકારનો આનંદ આપે છે પણ તેમાં વિજાતીય આકર્ષણ અને તેનાથી આગળ વધીને સેકસ સિવાય મોટે ભાગે કંઈ હોતું નથી. આવાં સબંધમાં જે પક્ષે થોડી લાગણી પ્રેમની અપેક્ષા હોય તે સબંધ આગળ વધવાની રાહમાં હોય છે પણ અંતે તેમાંથી નિરાશા જ મળે છે.

વધતી જતી ટેકનોલોજીને કારણે દિવસે દિવસે આપણાં અંગત અને આસપાસનાં સબંધોની શુષ્કતાનું પ્રમાણ વધતું જાય છે. ત્યારે ઓનલાઈન ડેટિંગમાં એટલાં વિકલ્પો અને દેખીતું રસપ્રદ લાગતું હોય છે જેમાં વ્યક્તિ વારંવાર પોતાનાં ઓપ્શન્સ બદલી શકે છે. સતત આ પ્રવૃત્તિ કરનાર લોકોને મન એક રમત બની જાય છે જેને કારણે તેને કોઈને છેતર્યા હોવાનો કે દગો કર્યો હોવાનું ગિલ્ટ થતું નથી.

ઓનલાઇન ડેટિંગ એ હાલનાં યુગની એકદમ સામાન્ય ફ્લર્ટિંગ સ્ટાઈલ છે. જેમાં અન્ય વ્યક્તિને ફોન, વિડિયો કોલ કરીને , ચોક્કસ પ્રકારનાં મેસેજ મોકલીને પોતાનાં તરફ આકર્ષિત કરવામાં આવે છે. સામેની વ્યક્તિ પણ રસ ધરાવતી હોય તો આ આભાસી સબંધો ખૂબ આગળ વધે છે જેમાં બંને પક્ષે ઉપરછલ્લો આનંદ , હલકું મનોરંજન, મોટાં ભાગે માત્ર શારીરિક સબંધોમાં જ રસ ધરાવતાં હોય છે.

આવાં બ્રેડક્રંબર લોકો દરેક વખતે બંને પક્ષે એકસાથે હોય તેવું જરૂરી નથી, પણ આવાં સબંધો હોય ત્યારે એટલું જાણવું એકદમ જરૂરી છે કે, સામેનાં પાત્રની મંશા શું છે. આવાં સબંધમાં ગંભીરતા જોવાં મળતી નથી. જાતજાતનાં પ્લાન બને પણ મોટેભાગે અમલ ન થાય અને પોતે ખૂબ વ્યસ્ત હોવાનો ડોળ કરે. એવું પણ બને કે અમુક સમય માટે સંપર્ક તોડી નાખે અને જ્યારે પરત આવે ત્યારે બહાનાઓનો ભંડાર સાથે હોય. આવાં લોકોનાં વર્તનમાં પ્રતિબદ્ધતાની અપેક્ષા રાખવી નિરર્થક છે. અચાનક શું વર્તન કરે કે, અચાનક કેવો નિર્ણય લઈ શકે તેનું અનુમાન કરવું અશક્ય હોય છે. આવાં લોકોનાં વર્તનમાં ઘણાં ઉતારચઢાવ જોવાં મળે છે. તમે આજે મેસેજ કરો અને બે દિવસ પછી જવાબ આપે તેને શું કહેવું?? આવાં વર્તનને કારણે સામેની વ્યક્તિ મુંઝાય છે અને કનફ્યુઝ થાય છે કે ખરેખર સાચું શું છે??

આવાં લોકો પાસે વફાદારીની અપેક્ષા રાખવી વ્યર્થ છે કારણ તેઓ એક કરતાં વધુ લોકો સાથે પણ જોડાયેલાં હોય છે.. તેમને માત્ર પોતાનું મહત્વ વધારવાનો સ્વાર્થ હોય છે. મહદ અંશે પોતાની જાતને ખૂબ સ્માર્ટ સમજતાં આવાં લોકો ક્યારે અને કેવી રીતે અન્યને નુકશાન પહોંચાડી શકે તે નક્કી કરી શકાય નહીં.

આપણાં સમાજનાં પરિપ્રેક્ષ્યમાં જોઈએ તો,મોટેભાગે ડેટીગમાં જોવાં મળતું આ પ્રકારનું વર્તન કૌટુંબિક સબંધોમાં, મિત્રતામાં, કામ કરવાનાં સ્થળે ઓફિસમાં પણ જોવાં મળે છે. પોતાનું કામ કઢાવી લેવા લોકો એકદમ નિર્દયી બની અને કૃત્રિમ વર્તન કરતાં અચકાતાં નથી.

ખરેખર સામાન્ય લાગતો આ પ્રશ્ન દિવસે દિવસે વિકરાળ બનતો જાય છે. મનુષ્ય લાગણી માટે જીવે છે, લાગણી ઝંખે છે અને લાગણી માટે ઝુરે છે. જ્યારે આસપાસ નથી મળતી ત્યારે ક્યાંક શોધવાનો પ્રયાસ કરે છે. જેમાં તેને મોટેભાગે નિષ્ફળતા જ મળે છે.

‘તું ના હોય તો મારાં જીવનમાં બાકી શું રહે??’ અથવા ‘તું ના હોય તો મારાં જીવનનો ડેટા ડિલીટ થઈ જાય’. બસ આવું સાંભળવાની અપેક્ષા અને ઈચ્છા ધરાવનારને ઘરમાં કોઈ મળતું નથી ત્યારે બ્રેડ ક્રંબિંગ નો ભોગ બની જતાં હોય છે..
તમારી સાથે તો આવું થતું નથી ને??
નજર ફેરવી લે જો આસપાસ…



1 comment on “છેતરામણાં સબંધો: બ્રેડ ક્રમ્બિંગ

  1. ખુબ જ સુંદર અને મનનીય લેખ… પ્રકૃતિ આપને શક્તિ પ્રદાન કરે, વધુ ને વધુ લખતાં રહો એવી શુભેચ્છાઓ પાઠવું છું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

20 − 7 =