બાળપણમાં સિંધુ ખીણની સંસ્કૃતિનો અભ્યાસ કરતાં ત્યારે તેની નગર રચના,ગટર વ્યવસ્થા એ લોકો કેવાં હશે, કઈ રીતે જીવન પસાર કરતાં હશે વગેરે વિશે પ્રાથમિક અભ્યાસ કરેલો ત્યારે એક વિશેષ આકર્ષણ રહેલું કે, આવી નગરી કેવી હશે!ત્યાંના લોકો કેવાં હશે!અને મને ક્યારે આ નગરી જોવાં મળશે.!
ઇતિહાસ અને પુરાતત્વ વિષય સાથે હંમેશાથી એક વિશેષ લગાવ હોય તેવું મને કાયમ લાગ્યું છે અને આવાં સ્થળોની મુલાકાત સમયે એ રોમાંચનો અનુભવ પણ કાયમ થયો જ છે.
અનેક લોકોને માત્ર પત્થરો, માટી સાથેના નિર્જીવ લાગતાં સ્થળોમાં મને એ સમયના લોકોનો જીવંત ધબકાર દેખાય છે અને તેમનું જીવન તાદૃશ્ય થઈ જતું દેખાય છે.
ધોળાવીરા જવાની ઈચ્છા તો વર્ષો જૂની હતી પરંતુ સથવારાની રાહમાં પણ ઘણાં વર્ષો નીકળી ગયાં.
અમુક સ્થળો એવાં હોય છે જ્યાં મોટાભાગના લોકોને જવામાં કોઈ રસ હોતો નથી અને જે જાય છે તેના પણ ત્રણ ચાર પ્રકાર છે.પ્રથમ ક્રમમાં જેને ખરેખર ઉંડાણપૂર્વકનો રસ છે અને અભ્યાસ કરવો છે તેવાં લોકો.બીજા ક્રમના લોકો કશું જ વિચાર્યા વિના સમય મળ્યે એક પર્યટન સ્થળ સમજી અને મુલાકાતે તો જાય છે પણ નિરાશ થઈને પરત ફરે છે.(ત્યાં કંઈ ખાસ જોવા જેવું નથી.) (ખબર નહિ કઇ વસ્તુ જોવાં જેવી ગણાતી હશે.)અને અમુક લોકો પોતાના ટુ ડુ લિસ્ટમાં તેને સામેલ કરી અને ‘ અમે પણ જોઈ લીધું છે ‘ તેવું બતાવવા માટે પણ આવાં સ્થળોએ જતાં હોય છે.જો કે ત્યાં ગયાં પછી તરત જ ત્યાંથી રવાના પણ થઈ જતાં હોય છે.
પણ મને અંતે એ સંસ્કૃતિને તાદૃશ્ય કરવાનો મોકો આખરે મળી ગયો.
પૂર્વ કચ્છના ભચાઉ તાલુકામાં આવેલાં ખડીર બેટનું લગભગ છેવાડાનું ગામ એટલે ધોળાવીરા. કારણ તેના પછી માત્ર 40 કિમીમાં પાકિસ્તાનની સરહદ આવી જાય છે.બંને વચ્ચે છે ક્ષિતિજ રહિત લાગતું અફાટ સફેદ રણ….
ખડિર બેટનો આકાર કપ જેવો છે.રાપરથી લગભગ 60કિમીના અંતરે રણ શરૂ થાય છે.આ વિસ્તારમાં પ્રવેશ કરીએ ત્યારે કંઇક વિશેષ જ અનુભૂતિ થાય છે.દૂર દૂર સુધી ક્યારેક જ કોઈ લોકલ વાહન જોવાં મળે,માણસો પણ ન જોવા મળે.જોવા મળે માલધારીઓના ધણ,રસ્તાની બન્ને તરફ ફેલાયેલો બાવળ,ખુલ્લી પથરાળ જમીન અને ક્ષિતિજરહિત ફેલાયેલું લાગતું રણ.
અમરાપર ગામ ખડીર બેટનું પ્રવેશદ્વાર કહી શકાય.ત્યારબાદ રતનપર, જનાણ જેવાં ચાર પાંચ ગામ અને છેલ્લું ધોળાવીરા.
પહેલાં તો ધોળાવીરા ગામનું નામ આ વિસ્તારના લોકો સિવાય કોઈ જાણતું નહતું. 1967-68માં અધિકૃત રીતે પુરાતત્વ વિભાગ દ્વારા ઘોષિત થયું અને વિશ્વપ્રસિદ્ધ સ્થળ બની ગયું. જ્યારે 2021માં યુનેસ્કો દ્વારા તેને ભારતની 40મી વર્લ્ડ હેરિટેજ સાઈટ જાહેર કરવામાં આવી ત્યારે તેનું નામ અને મહત્વ વિશ્વના નકશા પર વિશિષ્ટ રીતે અંકિત થઈ ગયાં.
રાપરથી ધોળાવીરા તરફ જતાં ધોળાવીરા પહેલાં કિલોમીટરો સુધી કંઈ જ જોવાં મળતું નથી પરંતુ ધોળાવીરા ગામના 5કિમી પહેલાં જ એકદમ ચહલ પહલ શરૂ થઈ જાય..ટ્રક , ડપર્સ,અર્થ મુવર અને મજૂરો.હા જી અહીથી શરૂ થાય છે “રોડ ટુ હેવન”.
જેનો અનુભવ કર્યો ત્યારે સમજાયું કે ખરેખર આ રોડ પર સ્વર્ગની અનુભૂતિ થાય છે.
આ રોડની વિગતવાર વાત તો પછી કરીશ.
લેટ્સ ગો ટુ ધોળાવીરા સાઈટ ફર્સ્ટ.
રૂમમાં ચેક ઇન કરી અને તરત જ અર્કિયોલોજીકલ સાઈટની મુલાકાત માટે નીકળી પડ્યાં જે અમારા રિસોર્ટથી માત્ર વોકિંગ ડિસ્ટન્સ પર હતી.અમને એમ હતું કે રજાનો દિવસ છે એટલે મુલાકાતીઓનો ધસારો હશે પણ ગણ્યાં ગાંઠયા મુલાકાતીઓ અને પરમ શાંતિનો અનુભવ.
લોકલ ગાઈડ તમને આવકારે,એક રજીસ્ટરમાં તમારી માહિતીઓ લખાવે અને બસ બીજું કશું જ નહિ.સાઈટ અને મ્યુઝિયમ બંને ટોટલ ફ્રી ઓફ કોસ્ટ.જેટલી વાર અને જેટલાં કલાક તમારો શોખ,રસ અને અભ્યાસની વૃત્તિ.
મોટાભાગના મુલાકાતીઓ સાઈટ (હડપ્પા સાઈટ) નું એક રાઉન્ડ લગાવી,ફોટોઝ ક્લિક કરી અને નીકળી જતાં હતાં તો કેટલાંક ગાઈડ રાખીને આ સંસ્કૃતિને વિગતવાર સમજવાનો પ્રયત્ન પણ કરતાં હતાં.કેટલાંક લોકો અચાનક ભૂલથી ક્યાંક ખોટી જગ્યાએ આવી ગયાની વાતો પણ કરતાં હતાં.ખેર, ફરવાના સ્થળ માટે દરેક વ્યક્તિનો રસ, કારણો અને સ્થિતિ જુદી જુદી હોઈ શકે.
પણ એટલું ચોક્કસ લાગે કે,
સમયાંતરે સતત ભાગદોડ કરતાં માણસનું હૃદય એટલું સૂકું થઈ ગયું છે કે તેને કાઈ ફીલ જ નથી થતું.. કંઇક અનુભવવા માટે સમયની નિરાંત,મનની નિરાંત ,શરીરની નિરાંત જોઈએ આ ત્રણ વસ્તુઓ ભેગી થાય તો જ કંઇક અનુભૂતિ થઈ શકે.
(ક્રમશ:)