
લીલાંછમ ,આંખોને ઠારે તેવાં, દૂર સુદુર ફેલાયેલાં ઘાસનાં વીડ વચ્ચે કુદરત સોળે કળાએ ખીલી હોય તેવી વનરાઈ, સેંકડો સુગરીઓ માળાની આસપાસ કિલકારી કરતી હોય, ક્યાંક હોલાં બોલતાં હોય તો ક્યાંક મોર કળા કરતાં હોય…
આટલી બધી સુંદરતા એકસાથે જોવા માટે રાજકોટથી બહુ દૂર જવાની જરૂર નથી.

એ વાત સાચી છે કે, આ ઘટનાં કાલ્પનિક હોય તેવું લાગે પણ આ સ્થળ રાજકોટવાસીઓ માટે દૂર નથી. આ સ્થળ છે ચોટીલા તાલુકામાં આવેલાં ગુંદા ગામનું વીડ.

ચોટીલાથી માત્ર 25 કિમી એટલે કે રાજકોટથી 85કિમી
(કુવાડવા રોડ તરફથી) અને ભાવનગર રોડ પરથી જઈએ તો માત્ર 45 કિમીના અંતરે આ સ્વર્ગ જેવું સ્થળ આવેલું છે.
આણંદપુર એટલે કાઠી દરબારનું નાનું એવું રજવાડું અને ગુંદા ગામમાં આવેલું એકરોમાં પથરાયેલું ઘાસનું વીડ.

દરેક ઋતુમાં આ વીડનાં અનોખા રંગ હોય પણ ચોમાસાંનું રૂપ એટલે લીલાં કલરનાં જુદાં જુદાં શેડની જાણે ચૂંદડી ઓઢી હોય તેવી ઠાંગા ડુંગરની પર્વતમાળાઓ લાગે. કુદરતનાં આ અનુપમ સૌંદર્યનાં વર્ણન માટે શબ્દો પણ ખૂટી પડે અને કલમની શ્યાહી પણ ઝાંખી પડી જાય.

આ વીડના અમારાં યજમાન એટલે અમારાં મિત્ર શ્રીભરતભાઈ ખાચર અને શ્રી દિલીપભાઈ ખાચર. રવિવારે સવારે 7 આસપાસ રાજકોટથી નીકળી અને ગ્રામ્ય જીવનને નિહાળતાં માણતાં સાડા આઠ સુધીમાં અમે ગુંદા પહોંચી ગયાં.

ગ્રામ્ય વિસ્તારનો ચોમાસું પ્રવાસ એટલે ચારે બાજુ પાકથી લહેરાતાં ખેતરો, ક્યાંક પાણીથી ઉભરાતાં ચેકડેમ તો ક્યાંક કાદવમાં નહાવાની મોજ ઉડાવતી ભેંસોનું ટોળું. દરેક ગામનાં પાદર પાસે ઊભેલાં તપસ્વી જેવાં વૃક્ષો, પક્ષીઓનો કલરવ, વહેતું પાણી આ બધું જોઇને મન આનંદ વિભોર બની જાય. ગામ તો એ જ હોય પણ આવાં મનોરમ્ય દ્રશ્યો માત્ર ચોમાસામાં જ જોવાં મળે.

ગામડાંની વચ્ચેથી કાચો રસ્તો પસાર કરી અને ઠાંગા ડુંગરની ટોચ પર પહોંચ્યાં. નજર જાય ત્યાં સુધી વનરાજી પથરાયેલી જોઈ અને મન તો કુદરતનાં સાનિધ્યમાં ગરકાવ થઈ ગયું.

સૌરાષ્ટ્રમાં પંચાળ પ્રદેશમાં ચોટીલા તાલુકામાં આવેલ ઠાંગા વિસ્તાર સમુદ્ર સપાટીથી ઊંચો, ડુંગરાળ અને કિંમતી ઘાસ, અનેક વનસ્પતિ વન્ય પ્રાણીઓથી ભરપૂર સમૃદ્ધ વીડની ભૂમિ છે. આ વીડમાં ઉત્તમ પ્રકારનું સણીયાર ઘાસ, રાતડ, ખાખરા, સાજડ, જીવન્તિકા જેવી અમૂલ્ય ઓષધિઓ હજારો વર્ષથી કુદરતી રીતે ઉગે છે.

અહીંથી અમે નાગબાઈમાંના વડ તરીકે ઓળખાતી ભોયરાગાળાની જગ્યા જે કુદરતી સૌંદર્યથી ભરપૂર છે ત્યાં ગયાં. સદીઓથી તપશ્ચર્યા કરતાં ઋષિ જેવો વિશાળ વડલાનો ઘેરાવો 100 ફૂટથી પણ વધુ છે. મસમોટી પીપર, કલકલ વહેતી અને તળિયું દેખાય તેવી પારદર્શક નદી, અસંખ્ય પશુ પક્ષીનો વસવાટ ધરાવતી આ જગ્યાની ખાસ વિશેષતા એવાં અસંખ્ય મોર અહીં જોવા મળે છે.

નાગબાઈ માંનું મંદિર આ વિશાળ વડ નીચે છે. વર્ષો પહેલા આ જગ્યા એ ચારણના નેસ હતાં જેમનાં પરિવારમાં નાગબાઈમાં થઈ ગયેલ. નાગબાઈ માં ના ભક્તો અને અસંખ્ય પ્રવાસીઓ અહીં દર્શન માટે આવે છે અને કુદરતી સૌંદર્યમાં ખોવાઈ જાય છે.




ભરતભાઈ, દિલીપભાઈનાં આતિથ્યમાં દેશી ભોજનનો લાભ લઈ અને થોડો આરામ કર્યાં બાદ નદીની વચ્ચે ચાલીને ભોંયરા ગાળા તરફ ગયાં. ખળખળ વહેતાં પાણીમાં ચાલવાની ખૂબ મજા માણી.


જગ્યાને છોડવાની અનિચ્છાએ ઘર તરફ આવવાં પ્રયાણ કર્યું ત્યારે સૂર્યદેવ નાની નાની પર્વતમાળા પાછળ અસ્ત થતાં જાણે અમને ફરી ફરીને આવવાનું ઇજન આપી રહ્યાં હતાં. સુંદર મજાની યાદોને સમેટીને ઘરે પહોંચ્યા ત્યારે સાંજ પડી ગઈ હતી પણ મન તો પેલી ટેકરીઓની આસપાસ રોકાઈ ગયું હતું.

સંપર્ક 9825971363