સ્વાર્થનાં સગપણ વગરનો સાથી એટલે સખા

“રાહી જબ રાહ ન પાયે મેરે સંગ આયે મેરી દોસ્તી મેરા પ્યાર….”

દોસ્તી ફિલ્મનું આ ગીત જીવનમાં મિત્રનું શું મહત્વ છે એ સમજવા માટે કદાચ પર્યાપ્ત છે.
મિત્ર એટલે આપણે જેની સામે એક પણ શબ્દ ન બોલીયે છતાં આપણાં મનની વાત સમજી જાય , જે લોહીનાં નહિ પરંતુ દિલની પસંદગીથી જોડાયેલો સબંધ એટલે દોસ્તી. જ્યાં કંઈપણ કહેવાની, કંઇપણ કરવાની માંગ્યા વગરની મંજૂરી એટલે દોસ્તી.
મિત્રતા એક એવો નિસ્વાર્થ સંબંધ છે જેના વગર ખુશી અધૂરી અને દુઃખ બમણું લાગે અને જેની હાજરી માત્રથી ખુશી બમણી અને દુઃખ અર્ધું થઈ જાય.
મિત્રની વ્યાખ્યા કરવા જઈએ તો કદાચ ગ્રંથ બની શકે એટલો વિશાળ અર્થ છે આ અઢી અક્ષરનાં સંબંધનો.

મિત્રતા બે પુરુષ, બે સ્ત્રી કે સ્ત્રી પુરુષ વચ્ચેનો જ સંબંધ નથી મિત્રતા તો પતિ પત્ની, પ્રેમી પ્રેમિકા, ભાઈ બહેન, પિતા પુત્ર વચ્ચે પણ હોઈ શકે. અરે! મિત્રતા તો માણસ અને પ્રાણી વચ્ચે પણ પાંગરી શકે છે. વાસ્તવિકતા તો એ છે કે સંબંધ કોઈપણ હોય પરંતુ એમાં મિત્રતા નામનું તત્વ ન હોય તો સંબંધનું સત્વ ફિક્કું લાગે છે.

મિત્રતા આવે એટલે તેનાં પર્યાયરૂપ કૃષ્ણ યાદ આવ્યાં વગર રહે? સુદામાના મિત્ર, અર્જુનનાં સાથી, દ્રૌપદીનાં સખા અને રાધાના પ્રેમી મિત્ર એટલે કૃષ્ણ.
“તને સાંભરે રે, મને કેમ વિસરે રે..’
કરીને સુદામાનાં તાંદુલ આરોગતાં આરોગતાં મિત્રનાં તમામ દુઃખને જાણી અને કૃષ્ણએ પ્રેમથી મિત્ર સુદામાની ઝોળી ભરી દીધી.
બાળપણથી પાંડવો અને ખાસ કરીને અર્જુનનાં ફ્રેન્ડ, ફિલોસોફર અને ગાઈડ તરીકે કૃષ્ણે સાથીની તમામ ફરજો નિભાવી.

સખા તરીકે કૃષ્ણા એટલે કે, દ્રૌપદી સાથેની કૃષ્ણની મૈત્રી એક મિસાલરૂપ છે.
રાધા સાથે બાળપણની મિત્રતા પ્રેમમાં પરિણમી અને આજે પ્રેમનાં પ્રતીક તરીકે આપણે રાધા કૃષ્ણને જોઈએ છીએ.
ફિલ્મો એ સમાજનું પ્રતિબિંબ છે. આપણે જે જીવન જીવીએ છીએ તે બાબતો જે તે સમયની ફિલ્મોમાં રિફલેકટ થતી હોય છે. ‘દોસ્તી’ થી લઇ ‘જિંદગી ના મિલેગી દોબારા’ જેવી અનેક ફિલ્મો આજ દિવસ સુધી બની છે.

મિત્રો, મિત્રતાનું મહત્વ આપણે સૌ જાણીએ છીએ તેમ છતાં વિચારીયે તો મિત્રતામાં પહેલાં જેવી મીઠાશ અને ઉષ્માનો ઉમળકાનો ક્યારેક અભાવ વર્તાય છે તેનું કારણ કે આધુનિકતા એ આપણને ઘણું બધું આપ્યું છે તો કેટલુંક છીનવી પણ લીધું છે. પરિવર્તન એ સંસારનો નિયમ છે એટલે સમયની સાથો સાથ આધુનિક યુગમાં મિત્ર, સખા અને પ્રેમી મિત્રનું સ્વરૂપ અને પરિભાષા બદલાઈ ગયા છે. વર્તમાન જીવનની કડવી પણ વાસ્તવિકતા એ છે કે આજે દરેક વ્યક્તિ સ્વકેન્દ્રી બની છે. દરેકને પોતાનો કમ્ફર્ટ અને પ્રાઈવસીઝોન છે. આપણે એ ઝોનમાં સહેલાઈથી કોઈ પ્રવેશ કરે તેવું નથી ઈચ્છતાં. તેવી જ રીતે સામે પણ કોઈ પોતાનાં કમ્ફર્ટ ઝોનની બહાર નીકળીને મદદ કરવા પણ જલદી તૈયાર નથી. જે મિત્રતા મીઠાશ અને ઉષ્મા માટે ઘાતક પરિબળ છે. તે ઉપરાંત આધુનિક યુગમાં દરેક ક્ષેત્રમાં હરીફાઈનાં કારણે આપણી પાસે એટલો સમય નથી કે આપણે મન મૂકીને મિત્રો સાથે બેસીને સુખ દુઃખની વાતો કરી શકીએ. વર્ચ્યુઅલ વિશ્વમાં શેરી અને સાથી મિત્રોની જગ્યાએ ફેસબુક ફ્રેન્ડ આવી ગયા છે. કલબ, ગ્રુપ અને સોશીયલ મીડિયામાં મિત્રોનું લીસ્ટ હોવાં છતાં ભાંગ્યાનાં ભેરુ અને અડધી રાતનો હોંકારો સમાન મિત્રની યાદી બનાવવા બેસીએ તો કદાચ તેની સંખ્યા બે આંકડામાં પણ નહિ પહોંચે.

સોશીયલ મીડિયાએ આપણને દેશના સીમાડાઓની પાર મિત્રો બનાવવાની તક આપી છે. પરંતુ અફસોસ કે એક બીજા પ્રત્યે લાગણી હોવા છતાં જ્યારે જરૂર હોય ત્યારે આવાં મિત્રો આવીને આપણા ખભે હાથ મૂકી ને કહી નથી શકતા કે “અરે હું છું ને ચિંતા શા માટે કરે છે સાથે મળી ને લડી લેશું”, એવું કહે ત્યારે કોઈ પણ જાતના સંકોચ વગર જેનાં ખભે માથું મૂકીને રડી શકાય તેવા રડવા અને લડવા માટેના મિત્રની ખોટ હૃદયનાં ખૂણામાં જરૂર સાલે છે.
વધુ નહિ તો બે ચાર એવા મિત્રો હોવા જોઈએ જેની પાસે માન, મોભો, સ્થળ, સમય જોયાં વગર નિ:સંકોચપણે હૃદય ખાલી કરી શકાય. જેની પાસે આવો સાચો અને સમજદાર મિત્ર છે તેમને ક્યારેય કાઉન્સેલિંગ માટે સાઈકિયાટ્રીસ્ટ પાસે જવું પડતું નથી.

मिनोति मानं करोति इति मित्र
मिद्यती स्निह्यति इति मित्र
मितं रिक्तं पूरयति इति मित्र:
અર્થાત્ જે માન ,સ્નેહ અને જીવનની ક્ષતિ પૂરી કરે તે મિત્ર છે.

કારણ કે, ડોક્ટર પાસે દિલ ખોલાવવાં કરતાં દોસ્તો પાસે દિલ ખુલ્લું કરવું એ શ્રેષ્ઠ વાત છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

20 − 2 =