આગળનાં બન્ને અંકમાં આપણે અન્નમય કોશ એટલે કે મનુષ્યનાં શારીરિક વિકાસ અને પ્રાણમય કોશ એટલે કે, પ્રાણ શક્તિનો વિકાસ કઇ રીતે થાય છે તે જોયું. આ અંકમાં મનોમય કોશ વિશે સમજીશું.
જેનાં નામમાં જ વિસ્તૃત અર્થ સમાયેલો છે તે મનોમય કોશ એટલે કે મનુષ્યનાં મનની વાત. આખું વિશ્વ જેનો અભ્યાસ કરે છે, જેનાં પર સતત સંશોધનો ચાલું જ છે તે માનવ મન ખરેખર અકળ છે. જેને કોઈ ચોક્કસ વ્યાખ્યામાં વ્યાખ્યાયિત ન કરી શકાય તે માનવ મન છે કારણ દરેક વ્યક્તિનું મન અલગ છે.
વિશ્વભરનાં મનોવૈજ્ઞાનિકો પણ ઘણાં પ્રયોગો બાદ પણ મનુષ્યનાં ચોક્કસ પ્રકારના વર્તન માટે કારણો શોધવામાં નિષ્ફળ ગયાં છે ત્યારે આ અકળ મન વિશે સમજવાં માટે કેટલીક પાયાની બાબતો સમજવી ખૂબ જરૂરી છે.
મન દેખીતી રીતે કોઈ ભૌતિક અંગ નથી.
વિચાર, લાગણી, વર્તન અને યાદનાં સમૂહને મન કહી શકાય.
માનવ શરીર હોય, અંગો હોય કે મન, તેનો વિકાસ તો ગર્ભાવસ્થાથી જ શરૂ થઈ ગયો હોય છે પણ મનનાં વિકાસનો સૌથી ઉચ્ચતમ તબક્કાની શરૂઆત 10 – 11 વર્ષની આસપાસ થાય છે જેથી મનોમય કોશનાં વિકાસ માટેનાં શ્રેષ્ઠ સમયગાળાને 15 વર્ષની આયુ સુધી શાસ્ત્રોમાં ગણવામાં આવ્યો છે.
આ સમયગાળા દરમિયાન અંતઃ સ્ત્રાવોમાં (હોર્મોન્સમાં) ખૂબ મોટાં ફેરફાર થતાં હોય છે. જેની ઊંડી અસર બાળકની મનોસ્થિતિ પર થતી હોય છે.
અત્યાર સુધી ભાઈબંધ/ સખી જેવાં સરખે સરખાં મિત્રો સાથે રમનારાં બાળકમાં હવે વિજાતીય આકર્ષણ શરૂ થાય છે અને તેના મગજમાં સેક્સ સંબંધી વિચારો ચાલું થાય છે.
અત્યાર સુધી ક્યારેય મનમાં ન આવેલી બાબતો અચાનક શરૂ થાય છે ત્યારે ઘણીવાર તે મુંઝાય પણ છે. જો આ તબક્કો સેકસ સેન્ટ્રીક ( વિચારોનું કેન્દ્રસ્થાન સેકસ રહે) તો જીવનભર તે વ્યક્તિ સેકસ સેન્ટ્રીક બની રહે છે.
બાળકની આ ઉંમર કોઈપણ વિષય તરફ ઢળવાની છે. જે તરફ ઢાળ મળે તે તરફ ઢળી જાય પણ એવું બની શકે કે, એ ઢાળને યોગ્ય દિશા આપવામાં આવે તો, જીવન ઉચ્ચતમ કક્ષાએ પહોંચે અને જો તેને વિરૂધ્ધ દિશા મળે તો કલ્પના ન કરી શકાય તેવાં પરિણામો મળે.
કામ( સેકસ)ની અભિવ્યક્તિ એ મનુષ્ય જીવનની ખૂબ મહત્વની બાબત છે કારણ, તેના પર સૃષ્ટિ ચાલે છે. આ એક શકિત (એનર્જી) જ છે.
આ ઉંમરે થતી વિજાતીય રતિને કારણે વિચારોથી મનમાં ખૂબ મોટાં ફેરફારો થાય છે. આ સમયે થતું કોઈપણ બાબતનું આકર્ષણ એટલું ગહન હોય છે કે, જે લગભગ જીવનભર છૂટી શકતું નથી.
પહેલાંના સમયમાં બાળવયે સગાઈ થઈ જતી જેને કારણે પોતાનાં પાત્રમાં મનોમન જોડાયેલાં અને ગુંથાયેલા રહેતાં.
બંધનમાં રહેવું અને બંધનમાં રાખવું એ મનુષ્ય મનનો સ્વભાવ છે પછી તે સારી બાબત હોય કે ખરાબ પણ મુખ્ય બાબત રહે છે તે આકર્ષણ છે.
કોઈપણ બાબત, વસ્તુ, વ્યક્તિ પ્રત્યે આકર્ષણ થવાનાં કારણો મહત્વનાં નથી મહત્વની છે આ ઉંમર જે સમયે બાળક/ વ્યક્તિ પોતાની જાતના પ્રેમમાં હોય છે. જીવનની દરેક બાબતને તે આપણે વિચારી ન હોય તેવી અલગ રીતે જોવે છે.
આ સમયમાં માં બાપ બાળકો પ્રત્યે જે વૈચારિક રીતે અને સભાનતાપૂર્વક સજાગ રહેવું જોઈએ તે રીતે નથી રહી શકતાં ત્યારે બાળકમાં આગળ જતાં જે કોઈ તકલીફો જોવાં મળે છે તેના માટે તેમને જ જવાબદાર ઠેરવી શકાય.
બાળકનાં જીવનમાં આદર્શ તરીકે કોને પ્રસ્થાપિત કરવું તે બાબતે ધ્યાન નથી આપતાં ત્યારે તેનાં જીવન – વર્તન માટે બહુ મોટી અપેક્ષાઓ રાખવી તદ્દન વ્યર્થ છે.
ઉદાહરણ તરીકે,
બાળપણમાં પુત્રને ક્રિકેટર બનવાનું સ્વપ્ન
બતાવવાં માટે એક ક્રિકેટરને તેનાં હીરો તરીકે બતાવીએ છીએ ત્યારે બાળક તેને માત્ર ક્રિકેટર તરીકે જોવાને બદલે તેનાં દેખાવ, વસ્ત્રો, વર્તન, જીવન બધાનો અભ્યાસ કરશે અને જાણ્યે અજાણ્યે પોતાના અવચેતન મન એટલે કે
સબ કોન્સિયસ માઈન્ડમાં આ તમામ બાબતોને સંગ્રહી લે છે. ભવિષ્યમાં તે ક્રિકેટર બને કે નહિ પણ તેની સારી ખરાબ ટેવ જરૂર અપનાવશે. બાળકનું મન તેને માત્ર એક મનોરંજન તરીકે નહિ પણ ખૂબ ગંભીરતાપૂર્વક પોતાનાં રોલ મોડેલ તરીકે જુએ છે.
પુત્રીના મનમાં જો કોઈ ફિલ્મનો નાયક રોલ મોડેલ તરીકે પ્રસ્થાપિત થઈ ગયાં પછી તે નાયક તો તેને મળવાનો નથી. ત્યારે તેનું મન પોતાની આસપાસનાં પુરુષોમાં આ હીરોને શોધવાની અજાણપણે કોશિશ કરતું રહે છે. જ્યારે તે આવા કોઈ પુરુષના પ્રેમમાં પડી જાય છે ત્યારે તેનું મન વિચારતું નથી કે તે પુરુષ સલીમ (મુસ્લિમ) છે કે, મિહિર(હિન્દુ). ધર્મ સાથે આ મનને કોઈ લેવાદેવા નથી હોતી.
એવું નથી કે, આ પ્રક્રિયા બાળપણમાં જ થાય છે. આ પ્રક્રિયા જીવનભર રહે છે ભલે ગમે તે ઉંમર હોય.
આવી અતૃપ્ત શોધ જીવનપર્યંત ચાલ્યાં જ કરે છે કોઈ નવાં સ્વરૂપે, નવાં વ્યક્તિમાં નવાં કારણોથી..આમ, બાળપણમાં મન( અવચેતન મન) પર પડેલી અસર જીવનનાં દરેક પડાવમાં હંમેશા સાથે જ રહે છે.
આયુર્વેદમાં કહ્યું છે કે,
निदानम परिवर्जनम!
મતલબ, સારવાર પહેલાં અપથ્ય એટલે કે, જે ખાવાલાયક નથી તેનો ત્યાગ કરવો. તે જ રીતે આ વયમાં જે જોવાં લાયક નથી, જાણવાં લાયક નથી તેનો ત્યાગ કરવો. હકીકતમાં આ યુગમાં આવો સંપૂર્ણ ત્યાગ થઈ શકતો નથી ત્યારે બાળકને તેનાં આકર્ષણો પૈકી અન્ય આકર્ષણ તરફ ( જે થોડું ઓછું હાનિકારક હોય) વાળવું પડે છે.
પ્રકૃતિની સાથે રહેવું શ્રેષ્ઠ છે ( અહીં લીલોતરીના અર્થમાં નથી નહિતર કોઈ ખેડૂત દુઃખી ન હોય)
પ્રાકૃતિક જીવન જીવવા માટે આંખ , નાક, કાન કે જીભ અને સ્પર્શથી થતી વિકૃતિથી દૂર રહેવું/રાખવું જરૂરી છે.
ટીવીમાં જોવાં મળતી જાહેરાતો ખૂબ અસર કરે છે. બાળકને આવી વિકૃતિથી કઈ રીતે દૂર રાખવું તે માં બાપના સહિયારાં પ્રયત્ન વગર શક્ય નથી જેનાં માટે તેમણે પણ જીવનમાં ઘણી બાંધછોડ કરવી પડે છે. ઘરનું વાતાવરણ સદંતર બદલવું પડે છે.
બાળકો માટે પસંદ કરીને સારાં સાહિત્યનું ચિંતન, જીવન ચરિત્રો, વાંચી શકે તેવું વાતાવરણ પૂરું પાડી શકાય.
સારી મૈત્રી મળે તે ખૂબ અગત્યનું છે. મિત્રોની પસંદગીમાં આડકતરી રીતે ધ્યાન આપી શકાય.
સારું સંગીત તેનાં મનનાં સ્વાસ્થ્ય પર ખૂબ ઊંડી અસર કરે છે..
ઘરમાં મૌનનું મહત્વ હોય તો બાળક પણ મૌનની મહત્તા સમજી અને મૌનનો લાભ મેળવશે જે તેના વિકાસ માટે મહત્વનું પાસું બની શકે છે.
બાળકને ભરપૂર પ્રેમ આપીએ , શક્ય તેટલી જરૂરિયાત સંતોષીએ પણ એ જિદ્દી બની જાય તેટલી નહીં.
પૂરતી સુરક્ષા આપીએ પણ એટલી નહિ કે કિલ્લેબંધી લાગે અને પાંગળું બની જાય.
દરેક વાત પૂરાં પ્રેમ અને ભાવથી પૂરતો સમય આપી શાંતિથી સમજાવવી જોઈએ. ક્યારેક ટ્રિકથી સમજાવી શકાય.
હાલનાં સમયની ખૂબ જ સફળ વેબ સિરીઝ અસુરમાં બાળકનો પિતા તેને સતત કહેતો કે, ” તુમ અસુર હો”. ધીમે ધીમે એ બાળક કળીયુગનો અસુર બની જાય છે.
આ સમય બાળકનાં જીવનની કોરી પાટી છે જેમાં જેવાં અને જે અક્ષર લખવાં હોય તે લખી શકાય છે. આ સમય બાળકનાં જીવનની બ્લ્યુ પ્રિન્ટ તૈયાર કરવાનો છે જેમાં ક્યો રંગ ભરવો તે માતા પિતાના મન, લાગણી અને પ્રેમરૂપી કલમની શાહી પર આધાર રાખે છે..
અસ્તુ…