આપણી આસપાસ જૉવા મળતાં કડિયા, પ્લમ્બર, સુથાર, પોલીસ ઓફિસર કે અન્ય કોઈપણ કામ કરતાં એકદમ સામાન્ય માણસો લાખો લોકોની બંદૂકની ગોળીએ હત્યા કરતાં અચકાય નહિ ત્યારે સર્જાય છે, જર્મન ઇતિહાસનું પિશાચી દર્દનાક કાળુ પૃષ્ઠ એટલે કે, ઓર્ડીનરી મેન – ભૂલાઈ ગયેલો સર્વનાશ.(Ordinary men- “forgotten haulocast”)
તાજેતરમાં જ નેટફલિક્સ પર પ્રસરિત થયેલી આ દસ્તાવેજી ફિલ્મ હૃદયમાં હડકંપ મચાવ્યાં વિના રહેતી નથી.
ઐતિહાસિક વિષય પર થયેલાં સંશોધનો સામાન્ય રીતે એકદમ બોરિંગ લાગે તેવાં હોય છે પણ આ ફિલ્મની માવજત એટલી અફલાતૂન કરવામાં આવી છે કે, આ ફિલ્મ જોયાં બાદ માણસ જાત કેટલી હદે ક્રૂર બની શકે છે તે વિચારવા માટે આપણને મજબૂર કરી દે છે.
ઇતિહાસકાર ક્રિસ્ટોફર બ્રાઉનીંગ દ્વારા 1992માં લખવામાં આવેલાં પુસ્તક( ordinary men: reserve police batalian 101 and the final solution in poland) પર આધારિત આ એકદમ ટૂંકી દસ્તાવેજી ફિલ્મ છે. જેમણે આ સામૂહિક હત્યાકાંડમાંથી કોઈપણ રીતે બચેલાં લોકોનાં લીધેલાં ઈન્ટરવ્યુ, ટ્રાયલ, ફોટો, વિડિયો વગેરે જેવાં પુરાવાઓ આપ્યાં છે.
ફિલ્મનું કથાનક (વાર્તા) જ આ હકીકત આધારિત ફિલ્મનું હાર્દ છે, “જો સરકાર ધારે તો તે સાવ સામાન્ય લાગતાં માણસને પણ લાગણીહીન અને હત્યારો બનાવી શકે છે.”
વાત છે બીજા વિશ્વયુદ્ધ સમયની. સમાજમાંથી કડિયા, સુથાર , ફાયરમેન, પોલીસમેન જેવાં સામાન્ય લોકોને શોધી અને તેમને હથીયાર ચલાવવાની પ્રાથમિક તાલીમ આપી અને પૂછવામાં આવે છે કે, “તમે યહુદીઓની હત્યા કરી શકશો! જો તમારે આ કાર્યમાં જોડવાની ઈચ્છા ન હોય તો તમે પાછાં જઈ શકો છો.” આટલું ભયંકર કામ કરવા માટે કોઈ સામાન્ય માણસને પૂછવામાં આવે ત્યારે તે કદાચ હેબતાઈ જાય પણ અહીં જર્મન સરકાર દ્વારા તેમને દેશપ્રેમની શું દુહાઈઓ આપવામાં આવી હશે કે, કોઈ પીછેહઠ કરવા તૈયાર નથી થતું અને સર્જાય છે નૃષસ હત્યાકાંડ. ત્યારે એમ થાય કે, તેમને પીછેહઠ થવાની છૂટ હોવાં છતાં તેમનાં માનસને કેટલી હદે બંદી બનાવી દીધાં હશે કે, તેઓ બહેરા મૂંગા હત્યારાં બની ગયાં.
લાખો યહુદીઓને એકત્ર કરી અને 50 -50નાં ટોળામાં એક લાંબા અને ઊંડા ખોદેલાં ખાડા પાસે ઘૂંટણિયે પાડી અને એકધારો ગોળીબાર કરવામાં આવે. લાશોનાં ઢગલાં સામૂહિક કબરમાં ખડકાઈ જાય. સવારથી શરૂ થયેલો આ સામૂહિક હત્યાકાંડ રાત સુધી ચાલતો. આમ, લગભગ વીસ લાખ જેટલાં યહુદીઓનો સામૂહિક નરસંહાર કરવામાં આવેલો. લોકોનાં ભયથી ટળવળતા અને દયનીય ચહેરાઓ જોઈને પણ આ ઓર્ડીનરી મેનને દયા નોહતી આવતી. આ રીતે લોકોને મારી નાખ્યાં બદ એમ લાગ્યું કે આમાં તો ખૂબ સમય જાય છે અને ખૂબ મેન પાવર વપરાય છે ત્યારે સાઈઠ લાખ જેટલાં યહૂદીઓને ગેસ ચેમ્બરમાં ગૂંગળાવીને મારી નાખ્યાં જેની દુનિયાને ખબર પડી પણ તે પહેલાં શું બનેલું તેનાથી ઘણાં લોકો અજાણ છે.
લગભગ સમગ્ર વિશ્વ માટે હિટલર, બીજું વિશ્વયુદ્ધ એટલે સાઈઠ લાખ યહુદીઓને મારી નાખેલાં , ગેસ ચેમ્બરમાં ગૂંગળાવી નાખેલાં બીજાં ચાલીસ લાખ યહુદીઓ યાદ આવે પણ યુધ્ધ પછી દેશપ્રેમનાં નામે ખેલાયેલો આ ખૂની ખેલ લગભગ વિશ્વથી અજાણ્યો છે.
બ્રાઉનિંગનાં ઊંડાણપૂર્વક કરવામાં આવેલાં રિસર્ચ, પુરાવાઓ, પર્સનલ ફાઈલ, ફોટોગ્રાફ્સ આધારિત કથાનકને આબેહૂબ ફિલ્માવવામાં આવ્યું છે. પૂર્વીય યુરોપમાં કરવામાં આવેલાં યહુદીઓનાં સામૂહિક નરસંહારનાં પ્રતિબંધિત અસલ વિડિયો પણ ફિલ્મમાં બતાવવામાં આવ્યાં છે.
ફિલ્મમાં ઇતિહાસની કોઈપણ વાત કહેવા માટે એક ખાસ પાત્ર અને પુરાવાઓ જોઈએ જે ફિલ્મમાં સુપેરે બતાવવામાં આવ્યાં છે.
ફિલ્મનું મુખ્ય પાત્ર છે, બેન્જામિન ફ્રેન્કઝ જે યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ આર્મીના ન્યુરેમ્બર્ગ વોર ક્રાઇમ ટ્રાયલ(1947-48)નાં ચીફ પ્રોસિક્યુટર છે જેમનું તાજેતરમાં એપ્રિલ 2023માં સો વર્ષની વયે અવસાન થયું. સાથે સોવિયત ટ્રાયલને પણ બતાવવામાં આવી છે.બંનેમાં જે વર્ણન છે તેનો સાર છે ભયાનક તબાહી.
આ જ ફિલ્મ હોલિવુડ દ્વારા બનાવામાં આવી હોત તો, કંઇક અલગ સ્વરૂપે હોત પણ, ઇતિહાસનાં પૃષ્ઠોમાં સમેટાયેલાં ભેંકાર સત્યને અહીં પુરાવા સાથે સુંદર રીતે કંડારવામાં આવ્યું છે.
યહુદીઓને ઢાળી દેનારાં લોકો હત્યારા કે પાગલ નહોતાં એકદમ સામાન્ય માણસ હતાં. અહીં પ્રશ્ન એ થાય કે , સામાન્ય માણસ આટલો ક્રૂર કઈ રીતે થઈ શકે પણ જ્યારે દેશપ્રેમની દુહાઈઓ સામૂહિક રીતે, સતત અને ચોક્કસ પ્રકારની આપવામાં આવતી હશે ત્યારે ભલભલાં માણસો તેમાં હિપ્નોટાઈઝડ થઈ જતાં હશે અને ક્યારે ક્રૂર હત્યારા તરીકે પરિવર્તિત થઈ જતાં હશે તેની કોઈ ભેદ રેખા રહેતી નથી. હાલમાં આપણે ત્યાં ચાલતું સનાતન ધર્મનું કહેવાતું દેશપ્રેમનું વાવાઝોડું થોડું હળવું પણ આ પ્રકારનું જ છે ને!!
આ ઓર્ડીનરી મેન એટલાં દયાહીન બની ગયેલાં કે નરસંહાર કર્યા બાદ તેમનાં રૂટિન કામો કરતાં, દારૂ પીતાં, એક વ્યકિતએ તો પોતાનાં લગ્નનો જશન મનાવેલો. ગોળીઓ મારતી વખતે શું ભૂલો કરી તેની આરામથી ચર્ચા કરી શકતાં.મતલબ તેમને તેમનાં આ દુષ્કૃત્ય માટે લેશમાત્ર પણ અફસોસ નોહતો એટલાં નિર્દયી બની ગયાં હતાં. મનોવૈજ્ઞાનિક રીતે વિચારીએ તો ટોળાંની માનસિકતા સાવ અલગ પ્રકારની જ બની જાય છે જેમાં કોઈપણ ઘટના માટે વ્યક્તિગત રીતે પોતાને જવાબદાર ગણતાં જ નથી. પોતે જે કંઈ કરતાં હોય તેને જસ્ટીફાઈ કરવાની અજ્ઞાત મન દ્વારા કોશિષ કરતું હોય છે.
એક રિસર્ચ આધારિત નાની નાની બાબતોની કાળજી રાખીને બનવવામાં આવેલ આ ફિલ્મ માનવીની માનવતા સામે એક કાયમી પ્રશ્નાર્થ ચિહ્ન મૂકી દે છે અને હૃદયહીનતા સામે માર્મિક ટકોર કરે છે. સરકાર સામે પણ આંગળી ચીંધી જાય છે.
ટૂંકમાં હૃદય ને હચમચાવી મૂકનારી ફિલ્મ દસ્તાવેજી ફિલ્મોમાં મૂઠી ઊંચેરું સ્થાન અપાવનારી છે