દંપતી એટલે માત્ર સુખનાં સાથી નહિ, પરંતુ સુખ અને દુઃખનાં સહયાત્રી…

“ચલો દિલદાર ચાલો ચાંદ કે પાર ચાલો, હમ હૈ તૈયાર ચલો “
દામ્પત્ય જીવનની શરૂઆતમાં ચાંદની પેલે પાર જવા થનગનતું યુગલ સમય વિતવાની સાથે એકબીજાથી છુટવાં માટે છેક છૂટાછેડાં સુધી શા માટે પહોંચી જાય છે એ ખૂબ વિચાર માગી લે તેવી બાબત છે.


આપણા શાસ્ત્રોએ જેને સૌથી પવિત્ર સંબંધ પૈકીનો એક ગણ્યો છે એવો સંબંધ એટલે દામ્પત્યજીવન. પ્રેમ લગ્ન હોય કે આયોજિત લગ્ન, પતિ પત્નીનાં સબંધો એટલે સપ્તપદીનાં સાત પગલાં અને તેની સાથે ગૂંથાયેલી જીવનમંત્રની માળા, એકસ અને વાય રંગસૂત્રનું એકબીજામાં ભળી જવું. નદીનાં બે કાંઠે સામસામે બેસીને એકબીજાને જોવાને બદલે એક જ પ્રવાહમાં, એક જ દિશામાં એક બીજાના સથવારે વહી જવું એટલે દામ્પત્ય જીવન. એક બીજાની ખૂબીઓ સાથે ખામીઓને ખેલદિલીપૂર્વક, સ્વીકારભાવ સાથેનું જીવન એ જ સાચું સહજીવન.


મોટા ભાગનાં યુગલોમાં પ્રેમનાં ધસમસતાં પ્રવાહ સાથે શરૂ થતાં દામ્પત્ય જીવનમાં સમય જતાં ધીમે ધીમે પ્રેમનો પ્રવાહ શા માટે ઘટવા લાગે છે ? એવું તે શું બને છે કે શરૂઆતમાં જેના વગર જીવન અધૂરું લાગતું હોય એની સાથે જીવવામાં આપણે ગૂંગળામણ અનુભવવા લાગીએ છીએ ? શા માટે સંબંધના શ્વાસ રુંધાવા લાગે છે ?


આજનાં જીવનની કડવી પણ, વાસ્તવિકતા એ છે કે, લગ્નજીવનનાં પવિત્રબંધનથી બંધાયેલાં હોવાં છતાં આપણી આસપાસ નજર કરશું તો, આંગળીના વેઢે ગણી શકાય તેટલાં દંપતી માંડ જોવા મળશે જેને એક બીજા પ્રત્યે કોઈ જ ફરિયાદ ન હોય.


આની પાછળના કારણોમાં મુખ્યત્વે જો કોઈ પરિબળ હોય તો તે છે આપણી આજની કહેવાતી આધુનિક પાશ્ચાત્ય જીવન શૈલી.


થોડાં વર્ષો પહેલાં સુધી કિશોરાવસ્થામાં હોઇએ ત્યારથી આપણાં માં બાપ, દાદા દાદી અને સગા સંબધીનાં જીવન અને એક પ્રકારનાં વાતાવરણને કારણે આપણાં અર્ધ જાગૃત મનમાં નાનપણથી જ દામ્પત્ય જીવન વિશે એક ચોક્કસ પ્રકારનું ચિત્ર અંકિત થઈ જતું કે, દામ્પત્ય જીવન એટલે માત્ર સુખનાં જ સાથી નહિ પણ સુખ અને દુઃખના સહયાત્રી. જેનાં પરિણામે જીવનમાં નાનાં મોટા અણગમતાં બનાવો, અનિચ્છનીય ઘટનાઓ બનતી ત્યારે બન્ને સાથે મળીને એનો સામનો કરતાં અને તેનો ઉકેલ શોધવાની કોશિશ કરતાં પરિણામે મોટાભાગના પ્રશ્નો હલ થઈ જતાં.
આજના આધુનિક જીવનમાં મોટાભાગે પતિ પત્ની પૈકી કોઈ એક અથવા બંને જોબ કરતાં હોય અથવા વ્યવસાય કરતાં હોય છે તેમની વિચારધારા, પસંદ નાપસંદ અલગ હોય છે.


પહેલાં દામ્પત્યજીવન એટલે “બે વ્યક્તિઓ પણ જીવન સહિયારું” જ્યારે આજે સમાજમાં એક નવો ટ્રેન્ડ ચાલે છે. દામ્પત્ય જીવન બે અલગ વ્યક્તિઓથી બને છે એટલે “બંનેનું અલગ અસ્તિત્વ અને અલગ પ્રાઈવસીનો અભિગમ, ” તેમજ “ મારું જીવન મારી મરજી”. કેટલાંક અંશે આ અભિગમ સારી બાબત છે. પરંતુ અલગ અસ્તિત્વ અને ચોક્કસ પ્રકારની પ્રાઈવસીનાં કારણે સમય જતાં ધીમે ધીમે પતિ પત્નીનાં અલગ કમ્ફર્ટ ઝોન બની જાય છે અને પ્રાયવસી પરદો બનીને બને વચ્ચે આવી જાય છે ત્યારે દામ્પત્ય જીવનમાં મુશ્કેલીની મોકાણ શરૂ થાય છે.


પોત પોતાની પ્રાયવસી અને કમ્ફર્ટઝોનનાં નામે સર્જાતી તિરાડમાં ધીમે ધીમે વ્યક્તિગત સ્વાર્થ પ્રવેશે છે અને તિરાડ સમય જતાં મોટી ખાઈનું સ્વરૂપ ધારણ કરે છે. પરિણામે નાની નાની બાબતોમાં ફરિયાદો, દલીલો, આક્ષેપ પ્રતિ આક્ષેપોથી શરૂ થઈ ક્લેશ, મનદુઃખ અને અંતે મનભેદમાં ફેરવાઈ જાય છે. શરૂઆતમાં જેના વગર જીવન અધુરું લાગતું હોય તે જ વ્યક્તિ સાથે જીવવું દુષ્કર બની જાય અને વાત કાયમ માટે એક બીજાથી છૂટા પડી જવાં સુધી પહોંચી જાય છે.


બીજી બાજું, કેટલાંક પતિ પત્નીનાં જીવનમાં એવા વિપરીત સંજોગો સર્જાય કે સાથે જીવવું બંને માટે પીડાં, દુઃખ અને ત્રાસ સિવાય કાંઈ ન હોય ત્યારે તેવાં કિસ્સામાં બે વ્યક્તિ છૂટા પડી જાય તો તેને વાજબી ગણી શકાય કારણ કે એક વખત લગ્ન બંધનમાં જોડાઈએ એટલે આજીવન દુઃખ ત્રાસ ભોગવીને જીવવાનો પણ કોઈ અર્થ નથી.
કુદરતે જીવન માત્ર દુ:ખી થવાં નથી આપ્યું. સુખ અને ખુશી એ જીવનનો પ્રાણ છે જેનાં વગર જીવન પ્રાણવિહીન બની જાય છે.


માનવ મન , સંવેદનાઓ સમય સાથે બદલાતાં રહ્યાં છે તેનો ઈતિહાસ અને સમય સાક્ષી છે. સમાજનું વાતાવરણ મનને ઘડે છે અને ઘડાતું જતું મન, નવાં સમાજનું ઘડતર કરે છે. જેમ વધું મળે છે તે વધુ અભાવનું કારણ પણ બને છે. વધુ જોઈએ છે કારણ, સમાજ આખો વધુ પાછળ દોડે છે. ભૌતિકતા ખરાબ બાબત નથી પણ જ્યારે તે સબંધોનો ભોગ લે છે ત્યારે તે વિલન સાબિત તો થાય જ છે. ભૌતિકતાની પાછળ દોડતાં હોઈએ ત્યારે ફરજ, જવાબદારી વગેરેનાં ઓઠા હેઠળ તેનાં ગુલામ બની જતાં આપણે ક્યારે સંવેદનહીનતાની રેખા ઓળંગી જઈએ છીએ તેની ખબર રહેતી નથી અને ક્યારેક તો આ બેખબરી જીવનભરની બની જાય છે


કુદરતે પોતાની સૃષ્ટિમાં એક સરખાં બે માનવ બનાવ્યાં જ નથી તેમ છતાં આપણે જીવનસાથીની પસંદગીનાં સમયથી શરૂ કરીને આજીવન એવી અપેક્ષા અને આગ્રહ રાખીએ કે મને મારા જેવી રુચિ ધરાવતું પાત્ર મળ્યું હોત તો જીવનમાં કેટલી મજા આવતી હોત!!


પરંતુ, વાસ્તવિકતા એ છે કે જીવનમાં આપણને આપણાં જેવી રુચિ ધરાવતું પાત્ર મળે તો પણ ક્યારેક નાવિન્યની અપેક્ષામાં બંનેનું સરખાપણું સમય જતાં કંટાળાદાયક બની જાય છે. એવું પણ બની શકે કે, તદન સરખાં પાત્ર કરતાં થોડાં વિરોધાભાસી પાત્ર સાથે જીવવાની વધુ મજા આવે. કારણ કે એ જ એકબીજાનાં પૂરક બની શકે છે.
સુખી દામ્પત્ય જીવન માટે કોઈ ભગીરથ કાર્ય કરવાની કે મોટાં ત્યાગ કરવાની જરૂર નથી માત્ર નાની નાની બાબતો પર ધ્યાન આપીને જીવીએ તો ઘણાં જીવન તૂટતાં અટકાવી શકીએ.
જેમ કે,

એકબીજા પર વિશ્વાસ રાખવો, એકબીજાની લાગણીને સન્માન આપવું,
મોટા કાર્યમાં જ નહિ પણ નાની નાની બાબતોમાં પણ એકબીજાની પ્રશંસા અને આભાર માનીએ તો બીજા પાત્રને સબંધોમાં ઉષ્માની અનુભૂતિ રહ્યાં કરે.શક્ય હોય તેટલાં પારદર્શક બનીએ,
જીવનની નબળી ક્ષણોમાં એકબીજાને સાથ સહકાર પ્રેમ અને હૂંફ આપીએ.
વ્યક્તિગત સ્વાર્થને બદલે સહિયારા સ્વાર્થને કેન્દ્ર સ્થાને રાખીએ.
પોતાનાં પાત્રમાં સો ટકા સારું મેળવવાની અપેક્ષા રાખવાને બદલે સિત્તેર ટકા સારું મળ્યું હોય તો બાકીના ત્રીસ ટકાને નજર અંદાજ કરીએ તો ઘણી મુશ્કેલીઓ આપોઆપ દૂર થઈ જાય છે.


બંને પક્ષે હું અને તું ને બદલે, આપણે એવો અભિગમ અપનાવીએ તો સુખી થવું એ વિચારીએ તેટલું મુશ્કેલ કાર્ય નથી.
માણસ સાધારણ હોય કે અસાધારણ પણ જીવનમાં ભૂલો તો થવાની જ એટલે એક ભૂલ થાય એટલે સબંધો પર પૂર્ણ વિરામ મૂકવાના બદલે ભૂલો સ્વીકારીને ભૂલી જવાની કોશિશ કરવી જોઈએ. દામ્પત્ય જીવનમાં તક આપવી એ પાયાનો નિયમ છે. જીવનમાં છૂટા પડી જવું એ પ્રાથમિક નહીં પરંતુ અંતિમ વિકલ્પ હોવો જોઈએ. કારણ કે છૂટા પડ્યા પછી પણ પ્રેમ, લાગણી અને હુંફની શોધમાં માનવ મન ભટકે જ છે.
અંતે એટલું સ્વીકારીએ કે

કભી કિસિકો મુક્કમલ જહાં નહિ મિલતાં, કભી જમી તો કભી આસમાં નહિ મિલતાં….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

17 − 7 =