સામાન્યરીતે આપણી આસપાસ વાતો કરતાં લોકો પાસેથી અવાર નવાર એવું બોલતાં સાંભળીએ છીએ કે,
‘પહેલાં જેવી મજા નથી’….જીવન પહેલાં જેવું નથી રહ્યું…
કારણ કે સમયની સાથે ઘણું બદલાઈ ગયું છે અને બદલાઈ રહ્યું છે.
ભારતીય સંસ્કૃતિ અનુસાર તહેવારો ઉજવવાની પરંપરા પાછળ આપણા ઋષિ મુનીઓનું જબરજસ્ત લોજીક રહેલું છે પરંતુ અફસોસ કે આજે પોતાને અલ્ટ્રા મોર્ડન ગણતી પેઢી એ પરંપરાને આઉટ ડેટેડ ગણીને સેન્સલેસ આધુનિકતા પાછળ ગાંડી થઈ રહી છે. ગણપતિ મહોત્સવ આવે છે ત્યારે ગણપતિ નામનાં જ રહે છે અને એની આજુબાજુનો માહોલ વધુ અગત્યનો બની જાય છે. ફિલ્મી ગીતો પર મોડી રાત સુધી ધમાલ કરવી અને બીજું ઘણું બધું. આસપાસનાં વિસ્તારો અને મહોલ્લા કે, સોસાયટીથી ચડિયાતા સાબિત થવા માટે આપણે કેટલાં હવાતિયાં મારીએ છીએ, કેવાં ભ્રમમાં જીવીએ છીએ. ગણપતિનાં આગમન વિસર્જનના (ધર્મ) નામે જે તાયફા થાય છે તે શું દર્શાવે છે ?
નવરાત્રિ જેવો અનેરું મહત્વ ધરાવતો પવિત્ર તહેવાર કેટલો વિકૃત બની ગયો છે કે, કેટલાંક લોકો તેને નવરાત્રિને બદલે લવરાત્રી કહેવા માટે મજબૂર બની ગયાં છે. ફેશન અને ટ્રેન્ડનાં નામે આધુનિકતાનો અંચળો ઓઢી આપણે કઈ દિશામાં જઈ રહ્યાં છીએ ? સંસ્કૃતિનાં હીબકાં હજારો વોટની સાઉન્ડ સિસ્ટમ નીચે સાવ દબાઈ ગયાં છે.
કહેવાતાં લેટેસ્ટ દ્વિઅર્થી ગરબાઓ સાંભળીને કે સ્ટેજ પર ધ્યાન આકર્ષણ માટે વલ્ગર વસ્ત્રો પહેરી કૂદકાં મારીને બીભત્સ હરકતો કરતાં કહેવાતાં ખ્યાતનામ ગાયકોને કે પછી બેકલેસ બ્લાઉઝ પહેરીને પીઠમાં ટેટુ કરાવીને રમતી દીકરીઓને જોઈને માતાજી પણ શરમ અનુભવતાં હશે પણ ફોટામાંથી કંઈ બોલતાં નથી કે બોલી શકતાં નથી એટલે આપણે તો ચિંતા કરવાની બિલકુલ જરૂર જ નથી પરંપરા અને સંસ્કારનું જે થવું હોય તે થાય.
પરંતુ આજની આ કહેવાતી અને પોતાને મોર્ડન માનતી યુવા જનરેશનને તેની આવનાર જનરેશન કદાચ એવું કહેશે કે અમારી જંગલી અને અણઘડ જનરેશનને કોઈ પણ જાતનો વિચાર કર્યા વગર પોતાને આધુનિક ગણાવવા એટલું પોલ્યુશન વધાર્યું કે પૃથ્વીને અમારા માટે જીવવા લાયક પણ નથી રહેવા દીધી.
શું જોઈએ છે આપણને….
જ્યાં જુઓ ત્યાં લોકો કંઇક મેળવી લેવાની, પામી લેવાની લહાયમાં દોટ મૂકી રહ્યાં છેક. વર્ચ્યુઅલ દુનિયાએ હકીકતની દુનિયાનું ગળું ઘોંટી નાખ્યું છે. શું પામવા હવાતિયાં મારીએ છીએ તે ખબર પણ નથી અને સમજાતું પણ નથી.
એક સમય હતો જ્યારે દિવાળી નવાં વર્ષની ઉજવણીની રાહ જોવાતી. મીઠાઈ માટે, જાતજાતનાં નાસ્તા માટે, ફટાકડાં ફોડવા, રંગોળી કરવી, નવાં કપડાં સિવડાવવાની અને પહેરવાની થ્રીલ. એકબીજાની ઘરે મળવા જવાનું નવા વર્ષે વડીલોને પગે લાગવાનું કંઇક અલગ પ્રકારનો માહોલ હોય. ચારે બાજુ જેમાં ખુશી, આનંદ, ઉલ્લાસ, પ્રેમ, લાગણી છલકાતાં હોય.
હવે દિવાળીમાં લગભગ કોઈ ઘરમાં રહેતું નથી. કારણ કે, કોઈ મળવા આવે તેમાં ખાસ રસ નથી રહ્યો અને ગમતું પણ નથી. અવનવી વાનગીઓ અને મીઠાઈ બનાવવાનો કોઈ ઉમંગ નથી કારણ બધું રેડીમેઇડ મળે છે અથવા વાનગીઓ તહેવાર પૂરતી સીમિત નથી રહી એટલે તેની કોઈ નવાઈ નથી.જે ખાવા પીવાનું મન થાય તે આંગળીનાં ટેરવે કે એક સેલ્ફ મારવાથી આપણી આજુબાજુમાં અવેલેબલ થઈ જાય છે. ટૂંકમાં જીવનમાં કોઈ નવીનતા નથી રહી.
દિવાળી એટલે પ્રવાસ અને વિદેશ જવાનો ખાસ તહેવાર. દિવાળીમાં ઘરે રહી ઉજવણી કરે તે લોકો થોડાં આઉટ ડેટેડ ગણાય છે તો ક્યારેક લાગણીમાં વહેતાં વેવલાં પણ.
આપણે એટલે કે, સમાજ આવો શા માટે બનતો જાય છે! લાગણીનું સ્થાન ધીરે ધીરે સ્વાર્થે શા માટે લીધું હશે. શાંતિને બદલે સતત કંઇક કરી બતાવવાનો ધળવલાટ કેમ આપણી અંદર ઉથલ પાથલ મચાવતો હશે.
જ્યારે સમાજનાં મોટાં ભાગનાં લોકોની અંદર એક સરખી ઘટનાઓ આકાર લેતી હોય ત્યારે સમજવું કે, સમાજ આખો એ દિશા તરફ વળી રહ્યો છે. એવું તો નથી ને કે, આધુનિકતાને અપનાવવાની લહાયમાં આપણી દિશા અધોગતિ તરફની બનતી જાય છે
અહીં ‘જૂનું એટલું બધું સોનું ‘ સાવ એવી વાત પણ નથી છતાં એ સોનું વારે તહેવારે આંખમાં ઝબકીને આછો નિસાસો કેમ આપી જતું હશે. આજની પેઢીને તો એ જૂનાં સોનાં વિશે કંઈ ખબર જ નથી તો એ લોકો કઈ રીતે લેખાંજોખાં કરી શકે. એમને એ સોનાં વિશે કોણ સમજાવે, કોણ પરિચય આપે.
મોબાઈલ, ઇન્ટરનેટને ખૂબ ગાળો આપીએ, વાંક કાઢીએ પણ એ આજનાં યુગનું અનિવાર્ય અનિષ્ટ ( કે સંનિષ્ઠ) બની ગયું છે જેને કોઈ રીતે ઇગ્નોર કરી શકાય તેમ નથી. છતાં રસ્તા કાઢવા પણ અનિવાર્ય બની ગયાં છે કારણ તેનાં અનિષ્ટ પાસાનાં લોકો વધુ આદતી બની ગયાં છે/બનતાં જાય છે. આ ગુલામી ધીમે ધીમે ઘર કરવાં લાગી છે જે જીવનમાંથી પ્રાઈવસીનાં નામે પ્રેમને ખતમ કરી નાંખવા સુધી લઈ ગઈ છે. લોકોને ‘મી ટાઇમ’ કહીને એકલું રહેવું જ ગમે છે એટલે એકલતાનાં બોજ હેઠળ ડીપ્રેશન આવવાની કોઈ નવાઈ નથી રહી. ભૌતિકતા ભોગવવામાં કોઈ ભાગ પડાવનાર હોય તે ગમતું નથી પાછું એકલતા નીચે સ્યુસાઈડલ થોટ્સ આવે એટલે કાઉન્સેલિંગ માટે સાઈકિયાટ્રિસ્ટ પાસે સીટિંગ લેવા જવામાં ગૌરવ પણ અનુભવે છે. આજકાલ એ થોડું ટ્રેન્ડી બની ગયું છે!
ઘરમાં જે હૂંફ મળતી તે હવે નથી મળતી એટલે વર્ચ્યુઅલ દુનિયામાં શોધવા જવું પડે છે.(ક્યાં જાય શું કરે) સંયુક્ત કુટુંબમાં ક્યાં અને ક્યારે કાઉન્સેલિંગ થઈ જતું એ ખબર પણ ન પડતી એટલે ફ્રસ્ટ્રેશન નામની બલાથી જીવનભર અજાણ જ રહેતાં.
માણસને સામજિક પ્રાણી અમસ્તું નથી કહ્યું. એને કોઈને કોઈ સ્વરૂપે અન્યની લાગણી, હૂંફ, એટેંશન, પ્રેમ જોઈએ જ છે. (તે આ વાત સ્વીકારે કે ન સ્વીકારે). આપણી આસપાસ કદાચ આની ખોટ વર્તાતી જાય છે. એટલે એ બીજી દુનિયામાં શોધતો હોય એમ પણ બને. ખૂબ ભણી અને કારકિર્દી બનાવવા ઝંખતી માંનાં બાળકો આયા પાસે ઉછરતાં હોય ત્યારે તેને બગડતાં જતાં, ચિડિયા બનતાં, ગુસ્સો કરતાં કે પછી કોઈ વાત ન માનતાં બાળકની ફરિયાદ કરવાનો કદાચ અધિકાર રહેતો નથી. ભૌતિકતાની આંધળી દોટમાં અટવાતો પુરુષ જ્યારે કુટુંબને સુખ આપવાનાં બહાના હેઠળ સમય નથી આપી શકતો ત્યારે તે જાણ્યે અજાણ્યે પોતાનાં બાળકોનો, પત્નીનો કે માં બાપનો ગુનેગાર બની જતો હોય છે. મોંઘવારીનાં બહાનાં હેઠળ એકલાં પડતાં જતાં બાળકનાં સુખ માટે તેને સારૂ જીવન આપવાની લહાયમાં ક્યાંક જીવનભરની એકલતા તો નથી આપી દેતાં ને.
આજકાલ કોઈને પોતાનો સમય બીજાને નથી આપવો કારણ તે સતત અને સખત બીઝી રહે છે.(શેમાં, ક્યાં અને શા માટે તે નહિ પૂછવાનું) આ વ્યસ્તતા સાથે અજાણ્યો અજંપો પણ સતત રહ્યાં કરે છે. કારણ સમજાતું નથી કે, સમજવું નથી. વર્ચ્યુઅલ દુનિયા આપણને આપણી જાણબહાર એક એન્ડલેસ અને ચોક્કસ હરીફ વગરની હરીફાઈ તરફ ધકેલતી જાય છે.
એક અજાણી પ્રક્રિયા આપણી અંદર ધીમે ધીમે આકાર લઈ રહી છે. જેને કારણે પહેલાં શરીરથી પછી વિચારોથી અને છેલ્લે મનથી એકબીજાથી અલગ પડતાં જઈએ છીએ. કલ્પના ન થઈ શકે તેવી ઊંડી ખાઈ તરફ બધાં ધકેલાઈ રહ્યાં છે છતાં કોઈને કોઈ પડતું હોય તેવું દેખાતું નથી. અરે હું પોતે ખાઈમાં ધકેલાઈ રહી છું/ રહ્યો છું તેની પણ ક્યાં ખબર છે. આ ખાઈ એકલતાની હોઈ શકે, વિકૃતિની હોઈ શકે, ગુનાખોરી તરફની હોઇ શકે કે પછી એક ચોક્કસ અહમ તરફની પણ હોઇ શકે. તેનાં રસ્તાઓ અલગ અલગ છે પણ અંત નિશ્ચિત છે. દુઃખ, પીડા, અજંપો, અસંતોષ અને આવાં બીજા ઘણાં નામ છે તેનાં.
આ ડેડ એન્ડેડ રસ્તો છે? પાછા વળવાનો કોઈ માર્ગ નથી??
ઇચ્છીએ તો ઘણાં રસ્તા છે જેનાં નામ સમય, લાગણી, કાળજી, પ્રેમ, હૂંફ છે જો આસપાસ મળે તો પકડી લેજો નહિતર પોતાની અને પોતાનાં સ્વજનોનો રસ્તો પેલી ખાઈ તરફ નિશ્ચિત છે પછી ઈન્ટરનેટ, તાયફા, કુસંસ્કાર, ડીજે, ક્રાઇમ, સ્યુસાઈડ, ગુનાખોરી, આસપાસનું વાતાવરણ વગેરે જેવાં બહાનાઓને જવાબદાર નહિ ઠેરવી શકાય..
અસ્તુ.