“તત્ ત્વમ અસિ એટલે કે તત્ત્વમસિ”
“પર થી સ્વ સુધીની યાત્રા એટલે તત્ત્વમસિ”

“લે અને આપી દે એવા બે શબ્દોથી તત્ત્વમસિ શરૂ થાય છે પરંતુ ખરેખર તો આપણો આખો દેશ આ બે શબ્દો વચ્ચે જીવે છે”
શબ્દો છે શીર્ષસ્થ ગુજરાતી સાહિત્યકાર આદરણીય શ્રી ધ્રુવ ભટ્ટના.

નાગરિક સહકારી બેંક રાજકોટ આયોજિત વાચન પરબના ઉપક્રમે યોજાયેલ બુકટોકમાં પોતાની જ નવલકથા તત્ત્વમસિ વિશે વાત કરતાં ધ્રુવદાદા કહે છે,” બધાંએ જે પુસ્તક વાંચી લીધું હોય તેની વાર્તા વિશે કહેવાને બદલે તેની પશ્ચાદ્ભૂમિ વિશે વાત કરવાનું મને ગમશે.” ખરેખર પરદા (પુસ્તક) પાછળની આ વાતોએ શ્રોતાઓને નવી જ દુનિયાનો આસ્વાદ કરાવ્યો.

પોતાની યાત્રાઓ લોકો સાથેના સંવાદો, રીતરિવાજો, રહેણીકરણી પર આધારિત વાતોને કલ્પનાઓ સાથે વણી અને નવલકથા સ્વરૂપ આપનાર અદના નવલકથાકાર શ્રી ધ્રુવ ભટ્ટ ભારતીયતા, અધ્યાત્મને કંઇક અલગ દૃષ્ટિએ જ જુએ છે અને પોતાના અભિપ્રાયને અંગત અભિપ્રાય જ ગણાવે છે. પોતાની મધ્યપ્રદેશ યાત્રા દરમિયાન માંડુ ખાતે મળેલ એક જર્મન દંપતીના ભારતીય સંસ્કૃતિ વિશેના પ્રશ્નનો જવાબ શોધવા નીકળેલા ધ્રુવ ભટ્ટને એ જવાબ તત્વમસિ પુસ્તક સ્વરૂપે મા નર્મદાની યાત્રા દરમિયાન થયેલાં સ્વાનુભવ પરથી મળ્યો છે.

કહેવાય તો માત્ર એક નદીની પરિક્રમા, પરંતુ, પરિક્રમા સાથે વણાયેલાં ઘણાં તથ્યો, રહસ્યોને વાચકો પાસે તેમણે ભાવવિભોર થતાં વાગોળ્યાં હતાં.
તેઓ કહે છે કે,
‘પાપ અને પુણ્ય નામના બે શબ્દોએ આપણી સંસ્કૃતિને ટકાવી રાખી છે’, જેનો
વિશાળ અર્થ જોઈએ તો,પીપળાને આંગણમાં વાવીએ તો પાપ (કારણ ઘરના પાયાને નુકશાન કરે) એ જ પીપળો પાદરમાં પૂજાય (કારણ તે ચોવીસ કલાક ઓક્સિજન આપે છે તેને બચાવવાનો છે) તેની પાસે બેસીને દુઃખ પણ રડી શકાય.

એક પરિક્રમાવાસી જમ્યાં હોય તે ગામમાં બીજા પરિક્રમાવાસી જમે તે પાપ( ગામલોકો નું અનાજ ખૂટી જાય)
એ જ પરિક્રમાવાસીને ભૂખ્યાં જવા દે તો ગામ લોકોને પાપ લાગે.
પરિક્રમાવાસીને લૂંટવાનો આદિવાસીઓને આદેશ છે, તેની પાછળ પણ સંસ્કૃતિને ટકાવી રાખવાનો જ આશય હતો. તેઓ દૃઢપણે માને છે કે પગે ચાલનારા લોકો એટલે કે તળના માણસોએ આ દેશને ઉભો રાખ્યો છે, સંસ્કૃતિને ટકાવી રાખી છે.

પરિક્રમાની ગાઇડલાઈન વિશે સમજાવતાં તેઓ કહે છે કે

1 હું મારા નામનો ત્યાગ કરૂ છું માત્ર પરિક્રમાવાસી તરીકે જ ઓળખાઈશ મતલબ પોતાના અહંકારનો ત્યાગ.
2 સાંજનું ભોજન સાથે નહિ રાખવું.
3 નદીનો સ્પર્શ ન કરી શકાય. (નદી પ્રદૂષિત ન થાય)
4 નદીને ઓળંગી ન શકાય.
5. જે ગામમાં યાત્રી અગાઉ ભોજન લઇ ગયા હોય, ખાધું હોય ત્યાં બીજા ભોજન માટે આવી ન શકે, જ્યારે ગામને આજ્ઞા કે કોઈ ભૂખ્યો ન જવો જોઈએ. કેવો વિરોધાભાસ!

તેઓ કહે છે, ‘ આપણે બધાં ઈશ્વરના જ સંતાનો છીએ ધર્મ તો ખૂબ મોડો આવ્યો, પણ ઈશ્વરને ભૂલી ગયાં અને ધર્મને પકડી લીધો. ખરેખર તો મૂળ શાસ્ત્રોનો અભ્યાસ કરીએ તો આ બધું જ સમજાઈ જાય.’
અગાઉના સમયમાં પરિક્રમા અને કુંભના મેળાના સમય દરમિયાન લગ્ન ન થતાં તેની વાત કરતાં તેઓ કહે છે, પહેલાંની યાત્રા ,પરિક્રમા ખૂબ દુર્ગમ હતી. જનાર વ્યક્તિ નદી, પહાડો ઓળંગીને દૂર-સુદૂર જતી. તેમના પાછા આવવાની કોઈ ખાતરી ન રહેતી. જેથી જનાર આવે નહિ ત્યાં સુધી કોઈ શુભ પ્રસંગો કરતું નહિ. આને પાપ પુણ્ય સાથે જોડી દેવાથી સહેલાઈથી પાલન કરી શકાતું.
તત્ત્વમસિમાં નાયકનું નામ નહિ આપવાં પાછળ ભાવકને નાયક તરીકે સ્વની પ્રતીતિ કરાવવાનો ઉમદા આશય હોવાનું લેખક જણાવે છે.
ભાગવતમાં કહ્યું છે કે ‘જે પોતાના સ્થાનેથી મારામાં પ્રવેશે છે.મારી ત્વચા, શ્વાસને જાગૃત કરે છે, તે જ બધામાં છે.’

આવી જ પ્રતીતિ તત્ત્વમસિના નાયકને થાય છે નદીને કાંઠે ચાલતા શું થાય? શું મળે? તું જો ઝાડનું રૂપ લઈ શકે તો ઝાડ તારું રૂપ લઈ શકે. અહા…કેટલું દિવ્ય અર્થઘટન અને નિરૂપણ !
શ્રોતાઓ સાથેના વાર્તાલાપ બાદ સંપન્ન થયેલ આ બુક ટોક વાચકોના હૃદય મન પર અમીટ છાપ છોડી ગઈ હતી.

અસ્તુ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

18 − sixteen =