હજારો વર્ષ જૂની આ ચિકિત્સા પદ્ધતિ આજેસમગ્ર વિશ્વમાં ધીરે ધીરે  લોકપ્રિય બનતી જાય છે. એ માન્યતા, માનસિકતા કે સેંકડો વર્ષ જૂની ગુલામી હોય પણ ખૂબ દુઃખ સાથે સ્વીકારવું જ પડે કે, ફેશનજીવન પદ્ધતિ , ખાણી પીણી કે યોગ જેવો અણમોલ વારસો હોય, પાશ્ચાત્ય દેશો જ્યારે તેને અપનાવે, અનુમોદન આપે કે મહાન ગણે ત્યારબાદ જ આપણે પૂર્વના લોકો તેને મહત્વ આપીએ છીએ અથવા સ્વીકારીએ છીએ. 

પશ્ચિમમાં થયેલાં સંશોધનોને આપણે ગર્વ સાથે આધારભૂત માનીએ છીએ પણ આપણી હજારો વર્ષ જૂની સંસ્કૃતિનો વારસો સમજવા સંશય રહે છે અને પુરાવાઓ જોઈએ છે. જેનું વધુ એક ઉદાહરણ છે સાઉન્ડ હીલિંગ (ધ્વનિ તરંગો દ્વારા થતી ચિકિત્સા).

લેખિકા દ્વારા સાઉન્ડ હીલિંગ સેશન

 શરીર, મન અને આત્માને શારીરિક, માનસિક, આધ્યાત્મિક કક્ષાએ ધ્વનિ તરંગો દ્વારા આપવામાં આવતી વૈકલ્પિક ચિકિત્સા પદ્ધતિ એટલે આપણાં પ્રાચીન યુગનું નાદ/ ધ્વનિ શાસ્ત્ર અને આજનાં યુગનું સાઉન્ડ હીલિંગઆપણી સંસ્કૃતિમાં ધ્વનિ ચિકિત્સા (સાઉન્ડ હીલિંગ)ને ઉચ્ચ કક્ષાની વૈકલ્પિક ચિકિત્સા પદ્ધતિમાં સ્થાન આપવામાં આવ્યું છે.

એવું કહેવાય છે કે મૂળ આ પદ્ધતિ હિમાલય અને તિબેટમાંથી આવી છે પણ આપણીવૈદિક પરંપરા મુજબ ધ્વનિ તરંગોનાં શાસ્ત્રને નાદ યોગ કહે છે. આ નાદ આધારિત ચિકિત્સા પદ્ધતિ જે માત્ર શરીર જ નહિ પણ મન અને આત્મિક( આધ્યાત્મિક) કક્ષાએ પણ વ્યક્તિની જાગૃતિ લાવે છે. નાદયોગમાં ધ્વનિના બે પ્રકાર છે બાહ્ય નાદ એટલે આહત અને આંતરિક નાદ એટલે અનાહત. જે જાગૃત અને અજાગૃત મન પર ખૂબ ઊંડી અસર કરે છે જેના દ્વારા વ્યક્તિનું સર્વાંગી હીલિંગ થાય છે.

માત્ર આપણાં દેશમાં જ નહીં ઓસ્ટ્રેલિયા અને ઇજિપ્તમાં પણ સાઉન્ડ થેરાપી હજારો વર્ષ જૂની હોવાનો દાવો કરવામાં છે.

આપણું શરીર પંચ મહાભૂતોનું બનેલું છે.

ચોક્કસ પ્રકારનાં ધ્વનિ આવર્તનો ( સાઉન્ડ ફ્રિકવન્સી) શરીરના વિવિધ અંગો અને મન, લાગણીઓ પર ઊંડી અસર ઉત્પન્ન કરે છે જેને કારણે અનેક બ્લોકેજ દૂર થઈ શકે છે કારણ મોટાભાગના રોગ અવ્યક્ત રહેલી લાગણી અને મનનાં દબાયેલા ભાવોને કારણે સર્જાતાં મનોદૈહિક (સાયકો સોમેટિક) હોય છે.

ગ્રુપ સેશન

આજનાં આધુનિક અને હરીફાઈનાં યુગમાં મનુષ્યમાં જોવાં મળતાં મોટાભાગનાં રોગ અને પીડા માનસિક તણાવને કારણે થાય છે.

શરીરનાં મુખ્ય ઊર્જા કેન્દ્રો એટલે સાત ચક્રો . જેમાં મૂલાધાર, સ્વાધિષ્ઠાન, મણિપુર, અનાહત, વિશુધ્ધા, આજ્ઞા અને સહસ્ત્રાર છે. જેના પર જુદી જુદી આવૃત્તિના ધ્વનિ તરંગો દ્વારા ઉપચાર કરવામાં આવે છે.

આપણે બધાં નાનપણમાં વિજ્ઞાનમાં એવું ભણ્યા છીએ કે, દરેક વસ્તુ અણુની બનેલી છે. કવોંટમ ફિઝિક્સમાં અનેક સંશોધનો બાદ અણુ છે તે અનેક પરમાણુનો બનેલો છે જે સતત કોઈને કોઈ ફ્રિકવનસી પર આંદોલિત થયાં જ કરે છે તેમ સાબિત થયું છે. ભૌતિક શાસ્ત્ર તો એમ જ કહે છે કે આખું વિશ્વ એ અગણિત અણુઓનું એવું મોટું ક્ષેત્ર છે જે સતત આંદોલિત થયાં જ કરે છે.

માત્ર વસ્તુઓ જ નહિ , આપણાં વિચારો અને લાગણીઓમાંથી જે ઊર્જા ફેલાય છે તેમાંથી પણ વાઈબ્રેશન સર્જાય છે એવું સાબિત પણ થઈ ચૂક્યું છે. જેને આપણે ટેલીપથી જેવું નામ પણ આપીએ છે. આમ, દરેક વસ્તુ અલગ અલગ કક્ષાએ વાઈબ્રેટ થાય છે પછી તે સદવિચાર હોય કે કુવિચાર.

વાઈબ્રેશનની અસરો માત્ર વસ્તુઓ પર જ નથી થતી.અનેક પ્રયોગો દ્વારા એ સાબિત થઈ ચૂક્યું છે કે, આપણાં વિચારો, લાગણીઓમાંથી ઊર્જા ઉત્પન્ન થાય છે જેમાંથી તરંગો સર્જાય છે. આમ, દરેક વસ્તુ વાઈબ્રેશન અનુભવે છે પણ તેની તીવ્રતા જુદી જુદી હોય છે. વ્યક્તિ જ્યારે દુઃખ ,નકારાત્મકતા, હતાશા અનુભવે છે ત્યારે તેની ફ્રિકવનસી ખૂબ નીચી હોય છે  જ્યારે ઉત્સાહ આનંદ ખુશીનાં સમયે અનુભવાતી ફ્રિકવનસી એકદમ ઊંચી હોય છે..સામાન્યરીતે વ્યક્તિ પોતાનો આનંદ, ખુશી લોકો સમક્ષ આસાનીથી વ્યક્ત કરી શકે છે  પરંતુ દુઃખ મોટે ભાગે અંદર જ ધરબાયેલું રહે છે. જે ધીમે ધીમે રોગનું સ્વરૂપ ધારણ કરે છે. સાઉન્ડ હીલિંગ માત્ર વૈકલ્પિક ચિકિત્સા પદ્ધતિ નથી  તેનાથી રિલેકસેશન, પ્રગાઢ ધ્યાનની અવસ્થા પણ પ્રાપ્ત થાય છે.

આપણને એમ લાગે કે, સાઉન્ડ કાન દ્વારા આપણાં મન અને શરીરને અસર કરે છે પરંતુ  ધ્વનિનાં તરંગો ( સાઉન્ડ વાઈબ્રેશન) સમગ્ર શરીર પર અસર કરે છે (કારણ શરીરમાં 75 ટકા પાણી રહેલું છે) જેને કારણે શરીરના જુદાં જુદાં ભાગો પર તેની પોઝિટિવ અસર થાય છે.

 સાઉન્ડ હીલિંગ જુદાં જુદાં પ્રકારે આપી શકાય છે.

અમુક વિસ્તારમાં જઈ અને જોરથી અવાજ કરવાથી આપણો જ અવાજ આપણને પડઘાં સ્વરૂપે સાંભળવાં મળે છે તેમ જ્યારે એક પદાર્થમાં વાઈબ્રેશન ઉત્પન્ન થાય છે તે બાજુનાં પદાર્થમાં પણ વાઈબ્રેશન ઉત્પન્ન કરે છે તે સિધ્ધાંત મુજબ જ્યારે વ્યક્તિને સાઉન્ડ હીલિંગ આપવામાં આવે ત્યારે તેના શરીરમાંં તે જ ફ્રિકવનસીથી તરંગો ઉત્પન્ન થાય છે જે હિલિંગમાં મદદ કરે છે.

બ્રેઈન વેવ એન્ટ્રેઈન્મેંટ

બ્રેઈન વેવ આપણાં જાગૃત અને અજાગૃત મન સાથે જોડાયેલાં છે. સાઉન્ડ દ્વારા બ્રેઈન પર ચોક્કસ ફ્રિકવનસીથી સિંગીંગ બાઉલ દ્વારા હીલિંગ આપવામાં આવે છે. બ્રેઈન વેવની ફ્રિકવનસી અને સાઉન્ડ હિલિંગની ફ્રિકવનસી જ્યારે મેચ થાય છે ત્યારે શરીરમાં તમામ કોષો, અંગો અને માનસિક લાગણીઓ પર તેની અસર થાય છે જે વ્યક્તિના મન અને શરીર પર અદ્ભુત અસર કરે છે.

 ડેલ્ટા, આલ્ફા, થીટા અને બીટા અને ગામા એ જુદાં જુદાં પ્રકારનાં બ્રેઈન વેવ છે. પ્રગાઢ ઊંઘ દરમિયાન ડેલ્ટા તરંગો, ધ્યાનની અવસ્થા દરમિયાન થીટા તરંગો, જ્યારે આપણું મન કોઈ પરિસ્થિતિને પહોંચી વળવા અથવા કોઈ ચોક્કસ કામમાં પરોવાયેલું હોય છે ત્યારે બીટા તરંગો અને હળવી ક્ષણોમાં આલ્ફા તરંગો ઉત્સર્જિત થતાં હોય છે.સાઉન્ડ હીલિંગ દરમિયાન જુદાં જુદાં તરંગો ચોક્કસ બનાવટનાં બાઉલ દ્વારા આપવામાં આવે છે. જેમાંથી ધ્યાન/ઊંઘની અવસ્થા દરમિયાન એકદમ હકારાત્મકતા સર્જાય છે.

આપણાં શાસ્ત્રોમાં સોળ સંસ્કારો પૈકી ગર્ભ સંસ્કારને શ્રેષ્ઠ અને ઉત્તમ સ્થાન આપવામાં આવ્યું છે. માતૃત્વ ધારણ કર્યાં પહેલાં અને ગર્ભાવસ્થા દરમિયાન ધ્વનિ ચિકિત્સા ( સાઉન્ડ હીલિંગ) દ્વારા માતા સાથે બાળકના મનોમસ્તિષ્ક ઉપર જે સંસ્કાર આપવાં હોય તે તેના અર્ધ જાગૃત મન દ્વારા આપી શકાય છે.(અભિમન્યુનાં જીવનની ઘટનાથી આપણે સહુ પરિચિત જ છીએ) હાલના સમયમાં ઘણાં નવપરિણીત દંપતિમાં આ બાબતની ખૂબ સારી જાગૃતિ આવી રહી છે.

શાળામાં બાળકોને સાઉન્ડ હીલિંગના સેશન આપવાથી તેમના અભ્યાસમાં પણ ખૂબ અસરકારક સાબિત થાય છે.

વિદ્યાર્થીઓનું સેશન

સાઉન્ડ હિલીંગમાં તિબેટીયન સીંગિંગ બાઉલ, ક્રિસ્ટલ બાઉલ, ગોંગ, ફોર્કસ, તિંગશા વગેરે દ્વારા સમૂહમાં અથવા વ્યક્તિગત સેશન આપવામાં આવે છે. જેમાં સામૂહિક સેશન મોટાભાગે પ્રગાઢ ધ્યાન અવસ્થા, માનસિક શાંતિની અનુભૂતિ, તણાવ દૂર કરવા માટે અપાતાં હોય છે જેને ‘સાઉન્ડ બાથ ‘ પણ કહે છે. જ્યારે વ્યક્તિગત સેશન વ્યક્તિની શારીરિક તેમજ માનસિક તકલીફો સ્થિતિને ધ્યાનમાં રાખીને આપવામાં આવતાં હોય છે. જેનો સમય લગભગ 30 થી 45 મિનિટનો હોય છે.

 આજે વિશ્વનાં મોટાભાગનાં દેશોમાં સાઉન્ડ હિલિંગને વૈકલ્પિક ચિકિત્સા પદ્ધતિ તરીકે ઉપયોગમાં લેવાનું પ્રમાણ ખૂબ વિશ્વાસ સાથે વધતું જાય છે. જેમાં અનેક નામાંકિત હોસ્પિટલ દ્વારા એવાં પ્રયોગો પણ થયાં છે જેમાં ઓપરેશન પહેલાં અને બાદ સાઉન્ડ હીલિંગ સેશન આપવામાં આવેલ દર્દીઓમાં દર્દની અનુભૂતિ ઘણી ઓછી માત્રામાં જોવા મળી છે.

ડો.મિશેલ ગાયનોર (એમ. ડી. મેડીસીન યુ.એસ.)

પોતાના પુસ્તક ‘ધ હીલિંગ પાવર ઓફ સાઉન્ડ ‘ માં  સાઉન્ડ થેરાપીનો પોતાના દર્દીઓ પર કરેલાં અનેક પ્રયોગો અને અનુભવોની વાત ખૂબ નિખાલસતા અને ભાવ સાથે વાચકો સમક્ષ મૂકે છે.

માનવ શરીરની કુદરતી સેલ્ફ હીલિંગ કરવાની જે ક્ષમતા છે તેને સાઉન્ડ દ્વારા વધારી શકાય છે.

વૈદિક મંત્રોના ઉચ્ચારણ, મંદિરનો ઘંટનાદ, સવાર અને સંધ્યાની આરતી, મનને ગમે તેવું સુમધુર સંગીત, માતા દ્વારા ગાવામાં આવતાં હાલરડાં, આ બધી બાબતોમાં એક સામ્યતા છે મનની શાંતિ. બસ આ જ છે આપણો નાદયોગ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

nineteen − 9 =